-
માર્કેટ યાર્ડમાં ટેકાના ભાવે મગફળીની ખરીદીનો શુભારંભ
-
પૂર્વ કેન્દ્રીય મંત્રી-સાંસદ પરષોત્તમ રૂપાલા રહ્યા ઉપસ્થિત
-
ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણીની પણ આગેવાની રહી
-
ખેડૂતોને દોઢા ભાવો મળે તે અંગે રાજ્ય સરકાર કટિબદ્ધ
-
મગફળીનો સારો ભાવ મળતા ખેડૂતોમાં હરખની હેલી
અમરેલી જિલ્લાની માર્કેટિંગ યાર્ડ ખાતેથી પૂર્વ કેન્દ્રીય મંત્રી અને રાજકોટના સાંસદ પરષોત્તમ રૂપાલા તેમજ ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણીની આગેવાનીમાં ટેકાના ભાવે મગફળીની ખરીદીનો શુભારંભ કરવામાં આવ્યો હતો.
સમગ્ર ગુજરાતમાં 160થી વધુ ખરીદ કેન્દ્રો પર ટેકાના ભાવે મગફળીની ખરીદીનો પ્રારંભ થયો છે, ત્યારે અમરેલી માર્કેટિંગ યાર્ડ ખાતે ટેકાના ભાવે મગફળી ખરીદીનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે પૂર્વ કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલા અને ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણી, અમરેલીના સાંસદ ભરત સુતરીયા, વિધાનસભાના નાયબ દંડક કૌશિક વેકરીયા, પૂર્વ સાંસદ નારણ કાછડીયા સહિતના રાજકીય નેતાઓ દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. યાર્ડની જાહેર હરરાજીમાં ખેડૂતોને 900થી 1100 જેવા ભાવો મળતા હોય છે, જ્યારે સરકાર દ્વારા ટેકાના ભાવે ખેડૂતોને 1356 જેવા ભાવો મળતા ખેડૂતોમાં પણ હરખની હેલી જોવા મળી રહી છે.
જોકે, પાછોતરા વરસાદથી ખેતી-પાકોને નુકશાન થયું હોય, ત્યારે મગફળીના ભાવો પણ પૂરતા મળતા નથી, જ્યારે સરકાર દ્વારા ટેકાના ભાવે 1356 જેવા ભાવ મળતા હોય જે આશીર્વાદ સમાન હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે. નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી બનતા પહેલા અમરેલીમાં ખેડૂતોને પોષણક્ષમ ભાવો મળે તે માટે ટેકાના ભાવે પાકની ખરીદી શરૂ કરાવાના ધ્યેયને સાર્થક સાબિત કર્યો છે, ત્યારે સહકારી નેતા દિલીપ સંઘાણીએ ખેડૂતોને દોઢા ભાવો મળે તે અંગે સરકાર કટિબદ્ધ હોવાનું જણાવ્યું હતું.