Connect Gujarat
ગુજરાત

અમરેલી : મુસ્લિમ પરિવાર દ્વારા નિર્માણ કરાયેલ રામજી મંદિરે કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ શીશ ઝુકાવ્યું...

અમરેલી જિલ્લાના ધારી-ગીરના ઝર ગામે રહેતા મુસ્લિમ પરિવારમાં ભગવાન રામજી પ્રત્યેની આસ્થા જોવા મળી છે.

X

અમરેલી જિલ્લાના ધારી-ગીરના ઝર ગામે રહેતા મુસ્લિમ પરિવારમાં ભગવાન રામજી પ્રત્યેની આસ્થા જોવા મળી છે. ઘર આંગણામાં જર્જરીત થયેલ રામજી મંદિરનું પુનઃ નિર્માણ કરી આ પરિવાર દ્વારા પ્રાણપ્રતિષ્ઠા સંપન્ન કરવામાં આવી હતી, ત્યારે આજરોજ કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ રામજી મંદિરે શીશ ઝુકાવી ધન્યતા અનુભવી હતી.

હાલના સમયમાં રાજકારણના કારણે હિન્દુ-મુસ્લિમો વચ્ચે ભેદ રેખાઓ સર્જાય હોય પણ હજુ પણ કોમી એકતા અને માનવતાની મિસાલ ગામડાઓમાં કાયમ રહી છે, ત્યારે ગુજરાતનું એક એવું સ્થળ કે, જ્યાં રામલલ્લાના મંદિર માટે જમીનથી લઈને નવા મંદિરમાં ભગવાનની પ્રાણપ્રતિષ્ઠા એક મુસ્લિમ પરિવારે કરી છે. અમરેલી જિલ્લાના ધારી-ગીરના ઝર ગામમાં કોમી એકતાની કોઈ મિસાલ હોય તો એ છે આ રામજી મંદિર. ઝર ગામમાં સતાધારના સંત આપા ગીગાના વારસદારો રહે છે, જ્યાં લલિયા પરિવાર આમ તો મુસ્લિમ ધર્મ પાળે છે. પણ આપા ગીગાના કારણે હિન્દુ ધર્મ પ્રત્યે આ પરિવારમાં આસ્થા અને ઉર્મિઓ હજુ અકબંધ જોવા મળે છે. લલિયા પરિવારના મોભી ગણાતા દાઉદભાઈ લલિયા અને તેમના સહકુટુંબ દ્વારા પોતાના આંગણામાં વર્ષો જૂના રામજી મંદિર કે, જે તાઉતે વાવાઝોડામાં સાવ જર્જરીત થઈ જતા તે મંદિરને વિશાળ મંદિરમાં સ્થાપી સંતો મહંતો અને રાજકીય મહાનુભાવોની ઉપસ્થિતીમાં પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. એક મુસ્લિમ પરિવારે ભગવાન રામજીનું મંદિર સ્થાપ્યું છે. જેમાં લલિયા પરિવાર દ્વારા મંદિરમાં પ્રાણપ્રતિષ્ઠા સંપન્ન થતાં સૌ કોઈ ખૂબ હર્ષિત થઈ ગયા હતા, ત્યારે આજરોજ કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા ઝર ગામની મુલાકાતે પહોચ્યા હતા, જ્યાં મુસ્લિમ પરિવાર દ્વારા સ્થાપિત રામજી મંદિરે દર્શન કરી કેન્દ્રીય મંત્રીએ ધન્યતા અનુભવી હતી. કેન્દ્રીય મંત્રીએ ભગવાન સમક્ષ શંખ વગાડ્યો હતો. કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા સાથે ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણીએ પણ રમલલ્લા મંદિરે દર્શન કર્યા હતા. જોકે, મુસ્લિમ પરીવાર દ્વારા મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેનાથી દેશની સંસ્કૃતિ ઉજાગર થઈ હોવાનું પણ કેન્દ્રિય મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ જણાવ્યુ હતું.

Next Story