આણંદ જિલ્લાના ખંભાતના સંવેદનશીલ વિસ્તાર શક્કરપુરામાં રામનવમી નિમિત્તે નિકળેલી શોભાયાત્રામાં પથ્થરમારાની ઘટનામાં ચોકાવનારા ખુલાસા સામે આવ્યા છે. જેમાં આરોપીઓનું આ પૂર્વ આયોજીત કાવતરૂ હતું અને આરોપીઓ વિદેશી લોકો સાથે પણ સંપર્કમાં હતા. સમગ્ર મામલે જિલ્લા પોલીસ વડા અજીત રજિયને જણાવ્યું હતું કે,
રામનવમીના છેલ્લા ત્રણ દિવસમાં આરોપીઓએ મીટિંગ કરી કાવતરૂ રચ્યું હતું. ભવિષ્યમાં રથયાત્રા ન નિકળે તેવો દાખલો બેસાડવા આ પૂર્વ આયોજીત કાવતરૂ રચાયું હતું. ઝડપાયેલા 11 આરોપીઓમાં મુખ્ય 6 આરોપીઓની સંડોવણી છે. જેમાં રજાક ઉર્ફે મૌલવીએ હિંસાના કાવતરાનું મુખ્ય પ્લાનિંગ કર્યું હતું. જેમણે અન્ય 16 આરોપીઓનો સંપર્ક કરી કવતરાને અંજામ આપ્યો હતો. આ કાવતરૂ સ્લીપર મોડયૂલ હેઠળ રચાયું હતું, જેના ભાગરૂપે પહેલાથી પથ્થરો રાખવામાં આવ્યા હતા, ત્યારે હાલ તો આ કેસની તપાસ માટે SITની પણ રચના કરવામાં આવી છે. આ સાથે જ આરોપીઓના ડેટા રિકવર કરી ચેટિંગ સહિતના પુરાવાની તપાસ ચાલું છે. તો ઝડપાયેલા કેટલાક આરોપીઓ ગુનાહિત ઇતિહાસ પણ ધરાવે છે. જોકે, હાલ ખંભાતમાં શાંતિનો માહોલ જોવા મળી રહ્યો હોવાનું પણ જિલ્લા પોલીસ વડાએ જણાવ્યુ હતું.