Connect Gujarat
ગુજરાત

ભાવનગર : વરતેજના એક જ પરિવારના 11 લોકોના અકસ્માતમાં મોત, ગામમાં શોકનો માહોલ

આણંદ-તારાપુર હાઇવે પર થયો ગોઝારો અકસ્માત, ભાવનગર જતી ઇકો કાર ટ્રક સાથે ધડાકાભેર અથડાય.

X

બે દિવસ પહેલાં મહારાષ્ટ્રના જલગાંવમાં લગ્નપ્રસંગનો આનંદ માણી રહેલાં વરતેજના અજમેરી પરિવારને ખબર પણ નહિ હોય કે ઘરે પરત ફરવાને બદલે તેમના જનાજા નીકળશે. આણંદ- તારાપુર હાઇવે પર બુધવારે વહેલી સવારે ઇકો કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં ડ્રાયવર સહિત 11 લોકોના જીવન દીપ બુઝાઇ ગયાં છે.

કોરોનાનો કહેર ઓછો થયા બાદ હવે સરકારે લગ્નપ્રસંગોના આયોજનની છુટ આપી છે પણ વરતેજના અજમેરી પરિવાર માટે લગ્નનો પ્રસંગ કાળમુખો સાબિત થયો છે. ભાવનગર જિલ્લાના વરતેજ ગામના અજમેરી પરિવારના સભ્યો મહારાષ્ટ્રના જલગાવ ખાતે લગ્નપ્રસંગમાં હાજરી આપવા માટે ગયાં હતાં. લગ્નપ્રસંગ બાદ તેઓ જલગાવથી પરત વરતેજ આવવા માટે રવાના થયાં હતાં. પણ પરિવારના સભ્યોને કયાં ખબર હતી કે તેઓ જીવતા નહિ પણ નશ્વર બનીને ઘરે પહોંચશે અને તેમના જનાજા નીકળશે. અજમેરી પરિવારના સભ્યોની ઇકો કાર આણંદ- તારાપુર હાઇવે પરથી પસાર થઇ રહી હતી તે સમયે ઇન્દ્રણજ ગામ નજીક તેમની કારને ટ્રક સાથે અકસ્માત નડયો હતો. ટ્રકની ટકકર કારનો ખુડદો બોલી ગયો હતો.

અકસ્માતમાં અત્યાર સુધીમાં ડ્રાયવર સહિત 11 લોકોના જીવનદીપ બુઝાય ગયાં છે. વરતેજ ખાતે ઘરે પરત ફરવાની અજમેરી પરિવારની ખુશી માતમમાં ફેરવાય ગઇ હતી. એક સાથે 11 લોકોના મોત બાદ વરતેજ ગામમાં શોકનો માહોલ જોવા મળી રહયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહે ટવીટ કરી મૃતકોના પરિવારો પ્રતિ દિલસોજી વ્યકત કરી છે.


Next Story