બનાસકાંઠા : પાલનપુરના ચંડીસરમાં ઘરકંકાસમાં ઉશ્કેરાયેલા પતિએ પત્નીની કરી હત્યા,ચાર સંતાનોએ માતાની ગુમાવી છત્રછાયા

પાલનપુરના ચંડીસર ગામમાં દંપતી વચ્ચેના ઝઘડામાં ઉશ્કેરાયેલા પતિએ ધર્મપત્નીની હત્યા કરી નાખતા ગરીબ પરિવારનો માળો વિખેરાતા ચાર બાળકો નોંધારા બન્યા

New Update
  • ઘર કંકાસનો કરુણ અંજામ

  • પાલનપુરના ચંડીસરની ઘટના

  • પતિએ જ પત્નીની કરી હત્યા

  • ચાર બાળકો બન્યા નોંધારા

  • પોલીસે હત્યારા પતિની કરી ધરપકડ

બનાસકાંઠા જિલ્લામાં ઘરકંકાસનો કરુણ અંજામ સામે આવ્યો છે. દંપતી વચ્ચેના ઝઘડામાં ઉશ્કેરાયેલા પતિએ ધર્મપત્નીની હત્યા કરી નાખતા ગરીબ પરિવારનો માળો વિખેરાતા ચાર બાળકો નોંધારા બન્યા છે.પોલીસે હત્યારા પતિની ધરપકડ કરી છે.

બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકામાં આવેલા ચંડીસર ગામની જ્યાં ગરીબ મજૂરી  વર્ગના પરિવારમાં રોજના ઘરકંકાસે પરિવારના એક સભ્યનો જીવ લઈ લીધો છે. પતિ પોતે મજૂરી ન કરી પત્નીના પૈસા ઉપર જ મોજ શોખ કરતો હતો.ત્રણ દીકરીઓ અને એક દીકરો હોવા છતાં પતિ દિલીપ બાળકો કે પત્નીનું વિચાર્યા વિના માત્ર પોતાના મોજશોખમાં જીવન ગુજારતો હતો. એટલું જ નહીં રોજ રોજ પત્ની પાસે પૈસાની માંગણી કરતો હતો.અને જો પત્ની પૈસા ન આપે તો તેને માનસિક ત્રાસ આપી મારઝૂડ કરતો હતો.

જોકે ત્રણ દીકરીઓ અને એક નાના પુત્રના ભવિષ્યની ચિંતા કરી પત્ની ચકુબેન આટલો ત્રાસ સહન કરીને પણ ઘર સંસાર મજૂરી કરી ચલાવતા હતા. પરંતુ રોજેરોજ હત્યારા પતિ દિલીપ ગાલવાડિયાનો ત્રાસ વધતો જતો હતો અને છેવટે પોતાના મોજશોખ માટે પત્નીએ પૈસા ન આપતાં પતિએ પત્નીના માથામાં કોઈક હથિયારના ઘા મારતા ગંભીર હાલતમાં પત્નીને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી.જ્યાં માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા પત્નીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે.

છાશવારે પત્નીને માનસિક અને શારીરિક ત્રાસ આપતા  સામે મૃતક ચકુબેનના પરિજનોએ ગઢ પોલીસ મથકે હત્યાની ફરિયાદ નોંધાવતા પોલીસે ગણતરીના કલાકોમાં જ હત્યારા પતિ દિલીપ ગાલવાડીયાની ધરપકડ કરી લીધી છે. પૈસા માટે પત્નીનું ઢીમ ઢાળી દેનારા પતિ સામે કડક કાર્યવાહી કરવાની મૃતકના પરિજનોએ માંગ કરી છે. મહત્વનું છે કે માતાનું મોત અને પિતા માતાની હત્યાના આરોપમાં જેલમાં જતા હવે ત્રણ દીકરીઓ અને એક દીકરો એટલે કે ચાર બાળકો સાવ નોધારા બની ગયા છે.

આ અંગે ગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાયા બાદ ડીવાયએસપી બી.એમ.પરમારે જણાવ્યું હતું કે પૈસાની માંગણી અને બાળકોનું કેમ ધ્યાન નથી રાખતી તે બાબતે પત્નીના માથામાં હથિયાર મારી પતિએ જ પત્નીને મોતને ઘાટ ઉતારી દીધી છે,એટલું જ નહીં પત્નીના ખૂનના ડાઘાને સાફ કરી પુરાવાનો નાશ કરવાનો પણ પ્રયાસ હત્યારા પતિ દ્વારા કરવામાં આવ્યો હતો. અને આ મામલે ગઢ પોલીસે ગણતરીના કલાકોમાં હત્યારા પતિ દિલીપ ગાલવાડીયાની ધરપકડ કરી લીધી છે.હાલમાં સમગ્ર મામલે પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

Latest Stories