Connect Gujarat
ગુજરાત

અંકલેશ્વર : પથારાવાળાઓને પોલીસે હટાવ્યાં, રોજગારી છીનવાતાં મહિલાઓનો આક્રોશ

અંકલેશ્વરના વાહનવ્યવહારથી ધમધમતાં ત્રણ રસ્તા સહિતના વિસ્તારોમાં રસ્તાની આસપાસ પથારા લગાવતાં ફેરિયાઓ સામે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

X

અંકલેશ્વરના વાહનવ્યવહારથી ધમધમતાં ત્રણ રસ્તા સહિતના વિસ્તારોમાં રસ્તાની આસપાસ પથારા લગાવતાં ફેરિયાઓ સામે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. રોજગારી છીનવાય જતાં શાકભાજી વેચવા માટે આવેલી મહિલાઓએ બળાપો ઠાલવ્યો હતો.

કોરોનાની ત્રીજી લહેરના ભણકારા વચ્ચે અંકલેશ્વરમાં શાકભાજી વેચતી મહિલાઓને રોજગારીની ચિંતા સતાવી રહી છે. શિયાળાની કડકડતી ઠંડીમાં તરોતાજા શાકભાજી લઇને ગ્રામ્ય વિસ્તારોમાંથી મહિલાઓ અંકલેશ્વરમાં વેચવા માટે આવે છે. આ મહિલાઓ ત્રણ રસ્તા કે અન્ય વિસ્તારોમાં બેસી શાકભાજી વેચી પરિવારનું ગુજરાન ચાલી જાય તેટલા રૂપિયા કમાયને ઘરે પાછી જાય છે. ત્રણ રસ્તા પાસે સર્જાતી ટ્રાફિકની સમસ્યાને હળવી બનાવવા માટે પથારાવાળાઓને હટાવવાની કામગીરી પોલીસે શરૂ કરી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, ત્રણ રસ્તા વિસ્તારમાં ભરાતાં શાકભાજી બજારમાં ખરીદી માટે આવતાં લોકો તેમના વાહનો આડેધડ રીતે પાર્ક કરી દેતાં હોવાથી ટ્રાફિકની સમસ્યા વિકટ બની છે. પોલીસે પથારાઓ હટાવી લેવડાવતાં મહિલાઓમાં રોષ જોવા મળ્યો હતો. તેમણે આક્ષેપ કર્યો હતો કે, અંકલેશ્વર નગર પાલિકા અમારી પાસે પૈસા લેતી હોવા છતાં અમને જગ્યા ફાળવતી નથી. અનામિકા નામની યુવતીએ જણાવ્યું હતું કે,બજારમાં શાકભાજીનું વેચાણ કરતાં પરપ્રાંતિયોની સંખ્યા વધી રહી છે તો અન્ય એક મહિલા મંજુ બેને પણ કઇ આવો જ સુર વ્યકત કરી પોલીસની કામગીરી સામે સવાલો ઉઠાવ્યાં હતાં.

Next Story