Connect Gujarat
ગુજરાત

અરવલ્લી : મોડાસામાં રોડના કામમાં નબળી કામગીરી છત્તી થતાં સ્થાનિકોએ પાલિકાનો ઊધડો લીધો...

અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં રોડના કામમાં ભ્રષ્ટાચારની બૂમો વચ્ચે સ્થાનિકોએ વિરોધ દર્શાવ્યો હતો.

X

અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં રોડના કામમાં ભ્રષ્ટાચારની બૂમો વચ્ચે સ્થાનિકોએ વિરોધ દર્શાવ્યો હતો. છેલ્લા 4 મહિનાથી રોડની સમસ્યાને લઇને પારાવાર મુશ્કેલીનો સામનો કરતા લોકોએ પાલિકાનો ઊધડો લીધો હતો.

અરવલ્લીના મોડાસા શહેરમાં હાલ રોડ બનાવવાની કામગીરી ચાલી રહી છે, ત્યારે નાલંદા સોસાયટી અને જલદીપ સોસાયટીમાં રોડની નબળી કામગીરી છતી થતાં પાલિકાએ નવો રોડ બનાવવા માટે કોન્ટ્રાક્ટરને આદેશ કર્યો હતો. પણ હવે આવી જ સ્થિત મોડાસાના સર્વોદયનગર ડુંગરી વિસ્તારમાં સામે આવી છે. અહીં થોડા સમય પહેલા પેવર બ્લોક નાખવામાં આવ્યા હતા. જે બાદ તેના પર રોડ બનાવતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો. કારણ કે, આ રોડની કામગીરીમાં હલકી ગુણવત્તાનું મટીરિયલ વાપરવામાં આવ્યું હોવાનો સ્થાનિકોએ આક્ષોપ કર્યો હતો. રોડની કામગીરી બંધ થતાં છેલ્લા 4 મહિનાથી લોકોએ કાદવ કીચડમાંથી પસાર થવા મજબૂર થવું પડ્યું હતું.

જોકે, હવે અહીના સ્થાનિકો એટલી હદે કંટાળી ગયા છે કે, કોર્પોરેટ અને પાલિકાના સત્તાધીશોને આડેહાથ લીધા હતા. પાલિકાના અધિકારીઓ કે, સત્તાધિશોને રજૂઆત કરવા છતાં પણ તેમની વાત સાંભળવામાં કોઈને જરાય રસ ન હોય તેવું લાગી રહ્યું છે. મોડાસા નગરપાલિકા વિસ્તારમાં ઠેર ઠેર રોડના કામમાં ભ્રષ્ટાચારની બૂમો ઉઠી રહી છે, ત્યારે રાજ્ય સરકારે આ બાબતે ધ્યાન લેવું જોઈએ અને તપાસના આદેશ કરવા જોઈએ. તો જ સત્તાધિશો અને અધિકારીઓની શાન ઠેકાણે આવી શકે, તેવું લોકો કહી રહ્યા છે, ત્યારે હવે જોવું રહ્યું કે, પાલિકાના સત્તાધીશો ક્યારે આ સમસ્યાનું નિરાકરણ લાવશે તે એક સવાલ છે.

Next Story