બાયડમાં સર્જાયાઓ ગોઝારો અકસ્માત
કાર અને બાઈક વચ્ચે સર્જાયો અકસ્માત
અકસ્માતમાં એક જ પરિવારના ત્રણના મોત
કાર સાથે ટક્કર બાદ બાઇકમાં લાગી આગ
અકસ્માત સર્જીને કાર ચાલક ફરાર
અરવલ્લી જિલ્લાના બાયડમાં કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. જેમાં એક જ પરિવારના 3 સભ્યો પતિ-પત્ની અને પુત્રના અકસ્માતમાં મોત નિપજ્યા હતા, અકસ્માત બાદ બાઈકમાં આગ પણ લાગી ગઈ હતી.
અરવલ્લી જિલ્લાના બાયડ-અમદાવાદ રોડ પર આંબલીયારા ગામ નજીક ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈક પર સવાર એક પરિવારના ત્રણ સભ્યનાં કમકમાટીભર્યાં મોત નીપજ્યાં હતા.બાઈક પર પતિ-પત્ની અને તેમનું બાળક જઈ રહ્યાં હતાં ત્યારે એક તેજ રફતાર કાર બાઈક સાથે ધડાકાભેર અથડાઇ હતી, જેથી બાઈકચાલક પુરુષનું ઘટનાસ્થળે જ મોત થયું હતું, જ્યારે તેમની પત્ની અને બાળકનાં સારવાર દરમિયાન મોત થયા હતા.
અકસ્માતનો ભોગ બનેલો પરિવાર ઝાલોદ તાલુકાના ગાવડિયા ગામનો હતો. તેઓ તારીખ 10 ઓગસ્ટ સાંજે છ વાગે બાઈક પર જઈ રહ્યા હતા,ત્યારે સામેથી આવતી બલેનો કાર સાથે ટકરાયા હતા. કારચાલકે ઓવરટેક કરવા જતાં આ અકસ્માત થયો હતો. ટક્કર એટલી ગંભીર હતી કે બાઈક રોડ પર સળગવા લાગી અને કાર રોડની બાજુમાં ખેતરમાં ઘસડાઈ ગઈ હતી.
આ દુર્ઘટનામાં પિતા યોગેશભાઈનું ઘટનાસ્થળે જ મોત થયું હતું, જ્યારે માતા નિરુબેન વસૈયા,અને 7 વર્ષીય પુત્ર આરવકુમાર વસૈયા ગંભીર રીતે ઘાયલ થયા હતા. તેમને તાત્કાલિક સારવાર માટે જીતપુરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, પરંતુ સારવાર દરમિયાન બંનેનાં કરૂણ મોત થયા હતા.
ઘટનાની જાણ થતાની સાથે લોકોના ટોળા ઊમટયા હતા, પરંતુ બાઈકસવારનું સારવાર મળે એ પહેલા જ મોત થયું હતું, જ્યારે સારવારમાં માતા-પુત્રનાં મોત થતાં એક જ પરિવારના તમામ ત્રણ સભ્યનાં મોતથી પરિવારનો માળો વિખેરાયો છે. અકસ્માત બાદ કાર ચાલક કાર ત્યાં જ મૂકીને ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ આંબલિયારા પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડી તેમનાં પરિવારજનોને સોંપવાની કાર્યવાહી કરી છે. પોલીસે ફરાર કારચાલકને પકડવા માટે તપાસ શરૂ કરી છે.