/connect-gujarat/media/post_banners/e2962cb2db3e1545810f27b5099a18ee197fb052b1f703173badf16ff5e8cca4.jpg)
અરવલ્લી જિલ્લામાં રાજસ્થાન સીમા પર આવેલ મેઘરજ તાલુકામાં દીપડાની દહેશતના પગલે રાત્રીના સમયે લોકો બહાર નિકળતા થર-થર કાપે છે.તો બીજી તરફ, દીપડાના હુમલાથી બચવા લોકો ઘરની ફરતે લાકડાની વાડ બનાવી રહ્યા છે.
અરવલ્લી જિલ્લામાં છેલ્લા ઘણાં સમયથી દીપડાની દહેશતના કારણે ખેડૂતો તેમજ પશુપાલકો ભયભીત જોવા મળી રહ્યા છે. ગુજરાત અને રાજસ્થાનની સીમા સાથે જોડાયેલા મેઘરજ તાલુકાના રમાડ સહિતના વિસ્તારોમાં દીપડાઓથી સ્થાનિકોએ પોતાના ઘરોને જ પાંજરા બનાવી દીધા છે. અહીં રાત્રીના સમયે લોકોને ઘરથી બહાર નિકળવું મુશ્કેલ બને છે. છૂટા છવાયા ઘર હોવાથી એકલ દોકલ બહાર જવું સાહસભર્યું કામ હોય છે. તો પણ નાછૂટકે બહાર નિકળતા લોકોએ પોતાની સુરક્ષા માટે હાથમા કંઈકને કંઈક વસ્તુ રાખવી પડે છે.
રમાડ ગામે રહેતા સંજય તરારે જણાવ્યુ હતું કે, રાત્રિના સમયે મારી ગાય પર એક દીપડાએ હુમલો કર્યો હતો. ઘરો તેમજ તબેલાની ફરતે લાકડાની વાડ કરી હોય તેમ છતાં દીપડાઓ આવી હુમલા કરતા હોય છે. મેઘરજ તાલુકાનો રમાડ પંથક સૌથી ઊંચા ડુંગર વિસ્તારમાં છે. આદિવાસી લોકોની જમીન પણ અહીં છે, જેથી તેઓ અન્ય જગ્યાએ પણ જઈ શકતા નથી. તો બીજી તરફ, જંગલોમાં જંગલી પ્રાણીઓ માટે ખાવા તેમજ પાણીની વ્યવસ્થા યોગ્ય ન હોવાથી તેઓ રહેણાંક વિસ્તારમાં આવી પશુઓનું મારણ કરે છે.