-
ગ્રામ્ય વિસ્તારોમાં વિકાસથી વંચિત લોકોની પદયાત્રા
-
તંત્રના કાન ખોલવા ગ્રામજનોએ પદયાત્રાનો દોર શરૂ કર્યો
-
કેટલાક ગામોમાં માળખાકીય સુવિધાનો અભાવ યથાવત
-
આદિવાસી વિસ્તારો હજુ પણ વિકાસથી વંચિત : સ્થાનિક
-
સ્થાનિકોને રોજગારી નહીં આપવામાં આવતી હોવાનો આક્ષેપ
અરવલ્લી જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારો હવે વિકાસથી વંચિત રહેતા લોકો પદયાત્રા કરવા મજબૂર બન્યા છે. ખાસ કરીને આદિવાસી વિસ્તારોમાં હજુ પણ લોકો વિકાસથી વંચિત છે. જેને લઇને લોકો તંત્રના કાન ખોલવા, પદયાત્રાનો દોર શરૂ થયો છે.
અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના વાંદિયોલથી ભિલોડા તાલુકા પંચાયત સુધી ગ્રામજનોએ માળખાકીય સુવિધાના અભાવે પદયાત્રા યોજી હતી. વાંદિયોલ ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા આ પહેલા તંત્રને લેખિતમાં આવેદન પત્રો આપ્યા હતા. જોકે, કોઈ જ નિરાકરણ નહીં આવતા ગાંધી ચિંધ્યા માર્ગે પદયાત્રાનો યોજી હતી. ગામમાં ડામર રોડ, ગરનાળા બનાવવા, તૂટી ગયેલા ચેક ડેમનું સમારકામ, આંગણવાડીનું જર્જરિત મકાન બનાવવા સહિતની માંગ કરવામાં આવી રહી છે.
આ સાથે જ GIDCમાં સ્થાનિકોને રોજગારી, આંબેડકર આવાસ યોજના તેમજ પંડિત દિનદયાળ યોજનાનો લાભ નહીં આપવામાં આવવાના આક્ષેપો સાથે મોટી સંખ્યામાં ગ્રામજનોએ પદયાત્રા યોપજી હતી. એક તરફ, નેતાઓ તાલુકાની માંગણી કરી રહ્યા છે. તો બીજી તરફ, ગ્રામ્ય વિસ્તારોમાં હજુ વિકાસ ન પહોંચ્યો હોવાના આક્ષેપ થઈ રહ્યા છે. ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ આ વિસ્તારોની મુલાકાત કેમ લેતા નથી તે પણ એક મોટો સવાલ છે. અધિકારીઓએ પણ એકાદ ડોકિયું ગામમાં કરવું જોઈએ. એટલું જ નહીં, રાત્રી મુકામ જેવા કાર્યક્રમો પણ અહીં થાય તો લોકોની સમસ્યાઓ જાણી શકાય તેમ છે. હાલ તો પદયાત્રા વચ્ચે તંત્ર ગામની રજૂઆતોને ધ્યાને લેશે કે, પછી આવેદન પત્રો દફ્તરે થશે તે પણ એક મોટો સવાલ છે.