બનાસકાંઠા જિલ્લાના થરાદ-ધાનેરા હાઇવે પર 2 વાહનો વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા 5 લોકોના મોત નીપજ્યાં છે, જ્યારે 3 જેટલા ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પીટલ ખસેડવામાં આવ્યા હતા.
મળતી માહિતી અનુસાર, થરાદ તાલુકાના ખેડાથી પરિવારના સભ્યો ગત મોડી રાત્રે પોતાના ઘરે ભાખડીયાલ જઇ રહ્યા હતા, તે દરમ્યાન થરાદ-ધાનેરા હાઇવે પર પાવડાસણ ગામના પાટીયા નજીક તેઓની કારને અકસ્માત નડ્યો હતો. જેમાં આગળ ચાલી રહેલા ટ્રેક્ટર-ટ્રૉલી પાછળ ઓવરટેક કરવા જતાં કાર ભટકાતાં અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ગમખ્વાર હતો કે, ઘટના સ્થળે જ 5 લોકોના કમકમાટીભર્યા મોત નીપજ્યાં હતા. જેમાં ઠાકોર પરિવારના ગેમરાજી જુમાજી, ટીપું ભમરજી, શૈલેષ ભમરજી, રમેશ બળવંતજી મળી 4 સભ્યો સહિત ટ્રેક્ટર-ટ્રૉલીમાં સવાર અશોક ઠાકોર નામના શ્રમિકનું મોત નીપજ્યું છે, જ્યારે 3 જેટલા ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ધાનેરાની ખાનગી હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા. બનાવની જાણ થતાં જ ધાનેરા અને થરાદ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવી અકસ્માતે 5 લોકોના મોતનો ગુન્હો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.