-
ડીસામાં ઢુંવા રોડ પર ફટાકડા ફેક્ટરીની ઘટના
-
ફેક્ટરીમાં ભીષણ આગ ફાટી નીકળતા દોડધામ
-
ફાયર ફાઈટરો તાત્કાલિક ઘટનાસ્થળે પહોચ્યા
-
17 લોકોના મોત, 5 જેટલા લોકો સારવાર હેઠળ
-
ઘટના અંગે તંત્ર દ્વારા વધુ તપાસ હાથ ધરાય
બનાસકાંઠા જિલ્લાના ડીસામાં આવેલી અને ગેરકાયદે ચાલતી ફટાકડા ફેક્ટરીમાં પ્રચંડ વિસ્ફોટ સાથે ભીષણ આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. તો બીજી તરફ, આ ઘટનામાં 17 લોકોના મોત થયા છે, જ્યારે 5 જેટલા ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
બનાસકાંઠા જિલ્લાના ડીસામાં ઢુંવા રોડ પર આવેલી ગેરકાયદે ફટાકડાની ફેક્ટરી અને ગોડાઉનમાં ભીષણ આગ ફાટી નીકળતાં 17 શ્રમિકોના મોત થયા છે. મૃતકોમાં 4થી 5 કિશોરનો પણ સમાવેશ થાય છે, જ્યારે 5 જેટલા ઇજાગ્રસ્તોને ડીસા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. પ્રાથમિક માહિતી મુજબ, દીપક ટેડર્સ નામની ફેક્ટરીમાં ફટાકડા બનાવવાના દારૂગોળામાં પ્રચંડ વિસ્ફોટ થતાં આગ લાગી હોવાનું અનુમાન લગાડવામાં આવી રહ્યું છે. વિસ્ફોટ એટલો પ્રચંડ હતો કે, બાજુમાં આવેલું ગોડાઉન ધરાશાયી થતાં 200 મીટર દૂર સુધી કાટમાળ ફેલાયો હતો, જ્યારે શ્રમિકોના માનવઅંગો પણ દૂર દૂર સુધી ફેંકાયાં હતા. બનાવની જાણ થતાં જ ડીસા નગરપાલિકાના ફાયર ફાઈટરો અને 108 ઈમરજન્સી સેવાની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી.
આ સાથે જ SDRFની ટીમે પણ ઘટનાસ્થળે પહોંચી રેસ્ક્યૂની કામગીરી હાથ ધરી હતી. તો બીજી તરફ, FSLની ટીમ દ્વારા પણ વિસ્ફોટ અંગે તપાસ હાથ ધરવામાં આવી છે. રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે મૃતકોને રૂ. 4 લાખ અને ઘાયલોને 50 હજારની સહાય આપવાની જાહેરાત કરી છે. બનાવના પગલે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી, ડીસાના ધારાસભ્ય પ્રવીણ માળી, કલેક્ટર મિહિર પટેલ, નાયબ કલેક્ટર નેહા પંચાલ, ડીવાયએસપી, મામલતદાર સહિત તંત્રના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ફેક્ટરીમાં બ્લાસ્ટ અને આગની ઘટનામાં તમામ મૃતકો મધ્યપ્રદેશના રહેવાસી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ શ્રમિકો 2 દિવસ પહેલાં જ અહીં કામ અર્થે આવ્યા હતા. આ કંપની ખૂબચંદ સિંધી નામની વ્યક્તિની છે. જે વ્યક્તિ ઘટના બાદ ફરાર થઈ ગયો છે. આ કંપનીમાં તેઓ વિસ્ફોટક પદાર્થ લાવીને ફટાકડા બનાવતા હતા. જોકે, માલિકે માત્ર ફટાકડા વેચાણ માટેની જ પરમિશન લીધી હતી. ફટાકડા બનાવવા માટેની નહીં. જેથી સ્થાનિક પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા આ અંગે વધુ તપાસ ચલાવવામાં આવી રહી છે.