એક સમયે નવાબી અને અત્તરોના નગર તરીકે ઓળખાતું પાલનપુર શહેર આજે પાલિકાના અણધડ વહીવટના કારણે ખાડાનગર બની ગયું છે, શહેરના દરેક રસ્તાઓ પડેલા ખાડાઓના કારણે શહેરીજનો ભારે હાલકી વેઠવા મજુબુર બન્યા છે.
ગત ચોમાસા બાદ પાલનપુર શહેરમાં મોટાભાગના રોડ રસ્તા તૂટી જતાં મસમોટા ખાડા પડી ગયા હતા ત્યારે રાજ્ય સરકારે ૭૫ લાખની ગ્રાન્ટ ખાડા પૂરવા માટે ફાળવી હતી પરંતુ બે માસ બાદ પણ શહેરમાં પાલિકાએ ખાડા પૂર્યા નથી.નગરપાલિકાના વિપક્ષના નેતાએ પાલિકા પ્રમુખ અને કારોબારી ચેરમેન પર નિશાન સાધ્યું છે અને ભ્રસ્ટાચારના આક્ષેપ કરવામાં આવ્યા છે
પાલનપુર શહેરમાં છેલ્લા ઘણાં સમયથી પડેલા ખાડાઓને પુરવા કે સમારકામ કરવામાં પણ સ્થાનિક પાલિકા તંત્ર નિષ્ફળ નીવડ્યું છે. ચૂંટણી સમયે વિકાસની વાતો કરનારા પાલિકા સત્તાધીશો સત્તા મળતાં વાયદાઓ ભૂલી જતાં હવે શહેરના લોકો સારા રોડ રસ્તાઓ માટે રાહ જોઈ રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે એક સમયે જે નગર અત્તરો અને ફૂલોની ખુશ્બૂથી વખણાતું હતું તે નગર હાલ પોતાની ભૂતકાળની યાદો તાજી કરી વેદનાં વ્યકત કરી રહ્યું તેવું ચોક્કસ લાગી રહ્યું છે. ત્યારે પાલિકા તંત્ર કયારે પોતાની આળસ ખંખેરી શહેરના ખાડાઓ પુરી સારા રસ્તાઓની સવલત શહેરીજનોને પુરી પાડે છે તે જોવું રહ્યું.