Connect Gujarat
ગુજરાત

બનાસકાંઠા : કોરેટી ગામ તળાવના પાણીનો રંગ થયો અચાનક "ગુલાબી", લોકોમાં ભારે આશ્ચર્ય...

જિલ્લાના સુઇગામ તાલુકાના કોરેટી ગામમાં આવેલ ગામ તળાવના પાણીનો રંગ અચાનક ગુલાબી થઈને બદલાઈ જતા અનેક તર્કવિતર્ક સર્જાયા હતા.

X

બનાસકાંઠા જિલ્લાના સુઇગામ તાલુકાના કોરેટી ગામમાં આવેલ ગામ તળાવના પાણીનો રંગ અચાનક ગુલાબી થઈને બદલાઈ જતા અનેક તર્કવિતર્ક સર્જાયા હતા. જેમાં સ્થાનિકોએ ક્યાંક પાણી મુદ્દે તપાસની વાત તો કેટલાક લોકોએ આસ્થા સાથે ચમત્કાર ગણાવ્યો હતો.

બનાસકાંઠાના સુઇગામ તાલુકાના કોરેટી ગામમાં 7 દિવસ પહેલા તળાવના પાણીનો રંગ અચાનક બદલીને ગુલાબી થઈ જતાં અનેક તર્કવિતર્ક સામે આવ્યા છે. ભગવાન શિવના મંદિરની બાજુમાં આવેલા તળાવમાં હજારો લીટર પાણી છે, જે તળાવના પાણીનો 7 દિવસ પહેલા રંગ બદલાઈ જતા ગ્રામજનોમાં ભારે કુતુહલ સર્જાયું છે. આ તળાવમાં કોઈ પાઇપલાઇન નથી કે, કોઈ કેમિકલ નાખવામાં આવ્યું. છતાં તળાવના પાણીનો રંગ બદલાઈ જતા આ તળાવ હાલ ચર્ચાના ચકડોળે ચઢ્યું છે.

જોકે, કોરેટીના ગ્રામજનોની વાત માનીએ તો 7 દિવસ પહેલા તળાવના પાણીનો રંગ સામાન્ય હતો. પરંતુ અચાનક 3 કલાકમાં જ પાણીનો રંગ ગુલાબી થઈ ગયો છે. આ ઘટનાને સ્થાનિકો આસ્થા સમાન માની રહ્યા છે. તો કેટલાક ગ્રામજનો ભગવાનનો પરચો પણ માની રહ્યા છે. ભગવાન શિવની સ્થાપના પાંડવોના હાથે થઈ હતી, ત્યારે તળાવના પાણીનો રંગ બદલાઈ જતા લોકોની આસ્થા કઈક વિશેષ જોવા મળી રહી છે, ત્યારે હાલ તો વહેલી સવારથી જ દરરોજ તળાવ નજીક લોકોની ભારે ભીડ જામે છે. આ ઉપરાંત વહીવટી તંત્ર દ્વારા પણ આ તળાવના પાણીના સેમ્પલ મેળવી લેબમાં તપાસ અર્થે મોકલવામાં આવ્યું છે.

Next Story