Connect Gujarat
ગુજરાત

ભરૂચ: સિટી બસ સેવાને સારો પ્રતિસાદ, જુઓ શું કહી રહ્યા છે મુસાફરો

ભરૂચમાં સિટી બસ સેવાને સારો પ્રતિસાદ, મુસાફરો બસમાં કરી રહ્યા છે મુસાફરી.

X

ભરૂચમાં નગર સેવા સદન દ્વારા શરૂ કરવામાં આવેલ સિટી બસ સેવાને સારો પ્રતિસાદ સાંપડી રહયો છે. શહેરના 9 રુટ પર 12 બસ દોડાવવામાં આવે છે જેનો મુસાફરો લાભ લઈ રહ્યા છે.

ભરૂચ શહેરમાં મુખ્યમંત્રી સ્વર્ણિમ યોજના અંતર્ગત વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી સંદર્ભે સીટી બસ સેવાનો પ્રારંભ મુખ્યપ્રધાન વિજય રૂપાણીના હસ્તે કરવામાં આવ્યો હતો. તારીખ 5 જૂનથી સિટી બસ સેવાનો પ્રારંભ કરાયો હતો ત્યારે એક મહિના જેટલો સમય થયો છે. આ સમયગાળામાં સિટી બસ સેવાને મુસાફરોનો સારો પ્રતિસાદ સાંપડી રહ્યો છે. ભરૂચમાં પબ્લિક ટ્રાન્સપોર્ટની સુવિધામાં વધારો થાય એ હેતુથી સિટી બસ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ઓછા ભાડે સારી મુસાફરીનો લાભ મળતા મુસાફરોએ આ સેવાને આવકારી છે.

આ તરફ સિટી બસ સેવાના સંચાલક અરુણભાઈનું પણ કહેવું છે કે મુસાફરોનો સારો પ્રતિસાદ સાંપડી રહ્યો છે તેઓ દ્વારા 9 રૂટ પર 12 બસ દોડાવવામાં આવી રહી છે. થોડા થોડા સમયના અંતરે બસ મળી રહેતા મુસાફરોને પણ રાહત સાંપડી રહી છે.

જો કે આ તરફ આ સીટી બસ સેવાના પ્રારંભથી ઓટો રીક્ષા ચાલકો રોજી રોટી છીનવાઈ જવાના ભયથી ચિંતામાં મુકાયા છે. સીટી બસના કારણે રીક્ષા ચાલકોની આર્થિક સ્થિતિ નબળી બની હોવાના આક્ષેપ થઈ રહ્યા છે. રિક્ષા એશો.દ્વારા માંગ કરવામાં આવી છે કે નગર પાલિકાની હદ વિસ્તારની બહાર ફરતી સીટી બસોને તાત્કાલિક ધોરણે બંધ કરી જરૂરત પૂરતી જ સંખ્યામાં બસો તેમજ રૂટ ચલાવવા નક્કી કરવા,તેના સ્ટેન્ડ ઉપરથી જ પેસેન્જરોને બેસાડવા સહિતના મુદ્દે નગર સેવા સદનમાં રજૂઆત કરવામાં આવી હતી. આ અંગે ભરૂચ નગર સેવા સદનના પ્રમુખ અમિત ચાવડાનો સંપર્ક કરતા તેઓએ જણાવ્યુ હતું કે રિક્ષા એશો.ની રજૂઆત સાંભળવામાં આવી છે અને આવનારા દિવસોમાં આ અંગેનો નિર્ણય લેવામાં આવશે.

Next Story