ભરૂચ જિલ્લા ભાજપની સંકલન સમિતિ દ્વારા ગાંધીનગર ખાતે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સાથે મુલાકાત કરી પૂર મુદ્દે વિસ્તારપૂર્વક રજૂઆત કરવામાં આવી હતી, ત્યારે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે તમામ મુદ્દે યોગ્ય નિરાકરણ લાવવા હૈયાધારણા આપી હતી.
ગત તા. 17 અને 18 સપ્ટેમ્બરના રોજ નર્મદા નદીમાં સરદાર સરોવર ડેમમાંથી 18 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવતા ભરૂચ જિલ્લાના કાંઠા વિસ્તારોમાં તરાજી સર્જાય છે. હજારો લોકોની ઘરવખરી પાણીમાં વહી જતાં મોટું નુકશાન થયું છે. આ સાથે જ કેટલાક પશુપાલકોના ઢોરના પાણીમાં તણાઇ જતાં મોત, જ્યારે અનેક ધરતીપુત્રોના પાકનો પૂરના પાણીએ સોથ વાળી દીધો છે.
તેવામાં ગાંધીનગર ખાતે ગુજરાત સરકારના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સાથે ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટીની સંકલન સમિતિ દ્વારા પૂરના કારણે ભરૂચ જિલ્લામાં જે પરિસ્થિતિ ઉભી થઈ છે, તે બાબતે સંકલન સમિતિ દ્વારા વિવિધ મુદ્દે પરામર્શ કરી મુખ્યમંત્રીને વિસ્તારપૂર્વક રજૂઆત કરવામાં આવી હતી, ત્યારે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા તમામ મુદ્દે યોગ્ય નિરાકરણ લાવવા માટે ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટીની સંકલન સમિતિને હૈયાધારણા આપવામાં આવી હતી.