/connect-gujarat/media/post_banners/192a76a4a28291698563654fbc342402066f7528bd0a8c050946cd320b4c1ac6.jpg)
ભરૂચ બી ડિવિઝન પોલીસે છેતરપિંડીના ગુનામાં સંડોવાયેલ 2 આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આરોપીઓએ મુંબઈની મેડિકલ કોલેજમાં એડમિશન અપાવવાના બહાને રૂપિયા 43 લાખની છેતરપિંડી કરી ફરાર થઈ ગયા હતા. આ મામલામાં પોલીસે મુંબઈની મેડિકલ કોલેજના પૂર્વ ડે.ડીનની પણ ધરપકડ કરતાં ચકચાર મચી જવા પામી છે.
મેડિકલ કોલેજમાં એડમિશન અપાવવાના બહાને વિદ્યાર્થીઓના ભાવિ સાથે ચેડા કરતાં બે આરોપીની ભરૂચ બી ડિવિઝન પોલીસે ધરપકડ કરી છે. ભરૂચના પશ્વિમ વિસ્તારમાં રહેતા આદમ પટેલના પુત્ર મોહસીનને મેડિકલ કોલેજમાં એડમિશન જોઈતું હોય તેઓ લવ ગુપ્તા નામના ઇસમના સંપર્કમાં આવ્યા હતા. લવ ગુપ્તાએ મુંબઈની લોકમાન્ય તિલક મેડિકલ કોલેજમાં એડમિશન અપાવવાના બહાને આદમ પટેલ પાસે રૂપિયા 43 લાખ પડાવ્યા હતા.
આ અંગે આદમ પટેલે માર્ચ માસમાં ભરૂચ બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોધાવતા પોલીસે તપાસ શરૂ કરી હતી જેમાં પોલીસે લવ ગુપ્તા અને લોકમાન્ય તિલક મેડિકલ કોલેજના પૂર્વ ડે.ડિન ડો.રાકેશ વર્માની ધરપકડ કરી છે. તેઓની પૂછતાછમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો. આરોપીએ એડમિશન અપાવવાના બહાને રૂપિયા પડાવવા ચોક્કસ પ્લાન બનાવ્યો હતો જેમાં તેઓ પી.જી.ની પરીક્ષામાં ઓછા માર્ક્સ ધરાવતા વિદ્યાર્થીઓને ટાર્ગેટ બનાવતા હતા અને એડમિશન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ બાકી બચેલી બેઠકો પર એડમિશન અપાવવાનું કહી ઠગાઇ કરતાં હતા. એડમિશન લેનાર વિદ્યાર્થી અને તેના વાલીનો વિશ્વાસ કેળવવા લોકમાન્ય તિલક મેડિકલ કોલેજનો પૂર્વ ડે.ડીન પણ તેઓને મળતો હતો અને બાદમાં રૂપિયા ખંખેરી લેવામાં આવ્યા હતા.
આ ઇસમો સાથે અન્યા આરોપીઓની સંડોવણી પણ બહાર આવી છે તેઓની ધરપકડ માટે પોલીસે ચક્રોગતિમાન કર્યા છે. ઝડપાયેલ આરોપીઓ વિરુધ્ધ દેશના અલગ અલગ રાજ્યોમાં આ પ્રકારના જ 6 થી 7 ગુના નોધાયા છે.