Connect Gujarat
ગુજરાત

ભરૂચ : નારાયણનગર-5માં ભૂગર્ભ ગટર લાઇન ઉભરાય, પાલિકા કચેરીને માથે લેવાની સ્થાનિકોની ચીમકી

ભરૂચ શહેરમાં ચોમાસાની શરૂઆત થતા પહેલા જ અનેક સોસાયટીઓના મુખ્ય માર્ગો પરની અધૂરી કામગીરીને લઈ લોકો હેરાન પરેશાન છે

X

ભરૂચ શહેરમાં ચોમાસાની શરૂઆત થતા પહેલા જ અનેક સોસાયટીઓના મુખ્ય માર્ગો પરની અધૂરી કામગીરીને લઈ લોકો હેરાન પરેશાન છે, ત્યારે શક્તિનાથ વિસ્તારમાં આવેલ નારાયણનગર-5માં ભૂગર્ભ ગટર લાઇન ઉભરતા માર્ગ પર ગટરનું ગંદુ પાણી ફરી વળ્યું છે. જેના કારણે સ્થાનિકોમાં નગરપાલિકા પ્રત્યે રોષ જોવા મળી રહ્યો છે.

ભરૂચ શહેરમાં ભાજપનું ગઢ ગણાતા નારાયણનગર સોસાયટીમાં જ મહિનાઓથી ગટરનું પાણી ઉભરાતા સ્થાનિકોએ નગરપાલિકાના સત્તાધીશો પ્રત્યે આક્રોશ વ્યક્ત કર્યો હતો. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, ઉભરાતી ગટરના મુદ્દે અવારનવાર રજુઆત અને અરજી પણ કરવામાં આવી છે. તેમ છતાં આજદિન સુધી આ મામલે તંત્ર દ્વારા કોઈ પણ જાતની કાર્યવાહી કરવામાં આવી નથી, ત્યારે સોસાયટીના લોકોને પોતાની અને બાળકોના સ્વાસ્થ્યની ચિંતા સતાવી રહી છે.

અત્રે ઉલખનિય છે કે, એક બાજુ સરકાર અને નગરપાલિકા સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત લાખો રૂપિયા ખર્ચાયા હોવાનો દાવો કરી રહી છે, ત્યારે ભરૂચના વોર્ડ નંબર 3ના નારાયણ નગર-5 માં ભરૂચ નગરપાલિકાનો દાવો પોકળ સાબિત થતો હોય તેમ લાગી રહ્યું છે. મુખ્ય માર્ગોની ઉભરાતી ગટરોની સાથે માર્ગ પર લાગેલી સ્ટ્રીટ લાઈટો પણ ન ચાલતી હોવાથી સ્થાનિકોની મુશ્કેલીમાં પણ વધારો થઈ રહ્યો છે. જો વહેલી તકે આ સમસ્યાનું નિરાકરણ નહિ આવે તો આગામી દિવસોમાં નગરપાલિકા કચેરીને માથે લેવાની પણ નારાયણનગર-5ના સ્થાનિકોએ ચીમકી ઉચ્ચારી છે.

Next Story