ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના અવિધા ગામે રાત્રી દરમિયાન ત્રાટકેલા તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવ્યું હતુ. મકાનનું તાળું તોડીને સોના ચાંદીના દાગીના અને રોકડા રૂપિયા મળી કુલ રૂપિયા 96000નો મુદ્દામાલ ચોરી કરીને ચોર ફરાર થઇ ગયા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના અવિધા ગામના પરમાર ફળિયામાં રહેતા દિનેશ મોહનભાઈ વણકર તારીખ 23 મીના રોજ સવારના દસ વાગ્યાના સમયે પત્ની સાથે ભરૂચ ખાતે લગ્નમાં ગયા હતા અને તેમનો દિકરો ઝઘડિયા જીઆઇડીસીમાં નોકરીએ ગયો હતો.ત્યારબાદ નોકરીએ ગયેલ તેમનો દિકરો અર્પિત આજરોજ સવારના સાત વાગ્યે ઘરે આવ્યો ત્યારે ઘરના દરવાજાનું તાળું તુટેલું જણાયું હતું. ઘરમાં તપાસ કરતા ઘરમાં સામાન વેરવિખેર પડ્યો હતો. અને ઘરમાં ચોરી થઈ હોવાનો અણસાર આવ્યો હતો.
ઘરમાં તપાસ કરતા ઘરમાં રાખેલ સોનાની બુટ્ટી,ચાંદીના સાંકળા,ચાંદીનો સિક્કો,સોનાનો સિક્કો જેવા સોના ચાંદીના દાગીના તેમજ રોકડા રૂપિયા મળીને કુલ રૂપિયા 96000નો સામાન ચોરાયો હોવાનું જણાયું હતું. ત્યારબાદ ભરૂચ લગ્નમાં ગયેલ દિનેશ ચોરીની ઘટનાની જાણ થતાં ઘરે પરત આવ્યા હતા. ચોરીની આ ઘટના બાબતે દિનેશ વણકરે રાજપારડી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.