ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના વડપાન ગામે ભયનો માહોલ ફેલાવનાર દીપડો પાંજરે પુરતા ગ્રામજનો સહિત વન વિભાગના કર્મચારીઓએ રાહત અનુભવી હતી. ભરૂચ જીલ્લાનો વાલિયા, ઝઘડીયા અને નેત્રંગ તાલુકો વન્યપ્રાણીના વસવાટ માટે જાણે અભ્યાયારણ બની જવા પામ્યો છે. કારણ કે, અવારનવાર દીપડાઓ માનવ વસ્તીને નજરે પડવા અને પાંજરે પુરાવાની ઘટના પ્રકાશમાં આવતી હોય છે.
પરંતુ વર્ષો પહેલા અંબાજી-ઉમરગામ સુધીના જંગલ વિસ્તારમાં જ વન્યપ્રાણીઓ વસવાટ કરી રહ્યા હતા. પરંતુ છાશવારે ગેરકાયદેસર જંગલોમાં વૃક્ષોનું નિકંદન અને વધતી માનવવસ્તી જંગલ વિસ્તાર ઉપર હાવી થઈ જતાં આજે પરીસ્થિતિ અલગ ઉદભવી છે, ત્યારે ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના વડપાન ગામની સીમમાં છેલ્લા કેટલાક દિવસોથી દીપડો માનવ વસ્તીને નજરે પડવા અને ગાયની વાછરડી ઉપર જીવલેણ હુમલો કર્યાની ઘટનાથી ગ્રામજનોમાં ભયનો માહોલ ફેલાયો હતો.
ગ્રામજનોએ નેત્રંગ વન વિભાગના આરએફઓ એમ.કે.દિવાન અને વનકર્મીને જાણ કરતાં તાત્કાલિક વડપાન ગામની સીમમાં પાંજરૂ ગોઠવી દેવામાં આવ્યું હતું. જોકે, દીપડો લાંબા સમય બાદ પાંજરે પુરાતા ગ્રામજનો અને વન કર્મચારીઓએ રાહતનો શ્વાસ લીધો હતો.