-
અંકલેશ્વર-વાલીયા મુખ્ય માર્ગની દયનિય હાલત
-
આમ આદમી પાર્ટી દ્વારા રજૂઆત કરવામાં આવી
-
મામલતદાર કચેરી ખાતે આવેદન પત્ર પાઠવાયું
-
વહેલી તકે બિસ્માર માર્ગના સમારકામની માંગ કરી
-
સમારકામ હાથ નહીં ધરાય તો આંદોલનની ચીમકી
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર-વાલીયા મુખ્ય માર્ગની દયનિય હાલતને લઈને અંકલેશ્વર આમ આદમી પાર્ટી શહેર પ્રમુખની આગેવાનીમાં મામલતદાર કચેરી ખાતે આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વરથી વાલિયાને જોડતો મુખ્ય માર્ગ છેલ્લા ઘણા વર્ષોથી ખખડધજ હાલતમાં છે. જેના કારણે અનેક વાહનચાલકો અને રાહદારીઓને દૈનિક મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તાજેતરમાં આ જ માર્ગ પર થયેલા માર્ગ અકસ્માતમાં એક રાહદારીનું કરૂણ મોત થતાં સ્થાનિકોમાં રોષની લાગણી છવાઈ હતી, ત્યારે અત્યંત જર્જરિત માર્ગની હાલત સામે આમ આદમી પાર્ટી અંકલેશ્વર શહેર પ્રમુખ નિતીન વસાવાએ અંકલેશ્વર મામલતદાર કચેરી ખાતે આવેદન પત્ર આપી રજૂઆત કરી હતી. પાઠવાયેલ આવેદનમાં તાકીદે બિસ્માર રસ્તાનું સમારકામ શરૂ કરવાની માંગ ઉઠાવવામાં આવી છે.
નિતીન વસાવાએ જણાવ્યું હતું કે, "અંકલેશ્વર-વાલિયા રોડ પર અકસ્માતોની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે. અનેકવાર લોકોના ઘટના સ્થળે જ મોત થયા છે. સરકાર તરફથી કોઈ પગલાં લેવામાં આવતાં નથી, જે લોકોને જીવના જોખમમાં નાખે છે." જો આગામી 10 દિવસમાં માર્ગનું સમારકામ શરૂ નહીં થાય, તો આ મામલે આંદોલન શરૂ કરવાની અંકલેશ્વર આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખે ચીમકી ઉચ્ચારી છે.