ભગવાન સાઈ ઝુલેલાલજી વિરુદ્ધ અભદ્ર ટિપ્પણીનો મામલો
સિંધી સમાજ વિરુદ્ધ અમિત બધેલના અપમાનજનક શબ્દો
ભરૂચ જિલ્લા સમસ્ત સિંધી સમાજમાં રોષની લાગણી ફેલાઈ
સિંધી સમાજ દ્વારા રેલી સ્વરૂપે કલેકટર કચેરીએ ઉગ્ર વિરોધ
વહીવટી તંત્રને આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી
ભરૂચ સમસ્ત સિંધી સમાજના આફતારા કેન્દ્ર સમા ભગવાન સાઈ ઝુલેલાલજી તથા સમગ્ર સિંધી સમાજ વિરુદ્ધ કરાયેલી અભદ્ર ટિપ્પણીના કારણે ભરૂચ સહિત સમગ્ર સિંધી સમાજમાં ઉગ્ર રોષ ફેલાયો છે. ગત તા. 29 ઓક્ટોબર-2025’ના રોજ છત્તીસગઢ રાજ્યના રાયપુર શહેરના અમિત બધેલ દ્વારા ભગવાન સાઈ ઝુલેલાલજી અંગે અપમાનજનક શબ્દો ઉચ્ચારવામાં આવ્યા હતા. તેમજ સિંધી સમાજ વિશે આક્ષેપાત્મક નિવેદન પણ આપવામાં આવ્યું હતું.
આ ઘટનાના પગલે સિંધી સમાજમાં ઠેર ઠેર ઉગ્ર પ્રતિક્રિયા જોવા મળી રહી છે, ત્યારે ભરૂચના સિંધી સમાજ દ્વારા જિલ્લા કલેકટર કચેરીએ રેલી સ્વરૂપે જઈ ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.
સિંધી સમાજના પ્રતિનિધિઓએ જિલ્લા કલેકટર મારફતે વડાપ્રધાન અને છત્તીસગઢના મુખ્યમંત્રીને આવેદન પત્ર પાઠવીને જણાવ્યું હતું કે, જો અમિત બધેલ વહેલીતકે જાહેરમાં માફી નહીં માંગે તો તેના વિરુદ્ધ કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે. આ વિરોધ પ્રદર્શનમાં ભરૂચના સિંધી સમાજના આગેવાનો સહિત મોટી સંખ્યામાં મહિલાઓ પણ ઉપસ્થિત રહી "જય ઝુલેલાલ"ના નારા સાથે પોતાના રોષની અભિવ્યક્તિ કરી હતી.