નગર પાલિકા દ્વારા સંસ્કાર એજ્યુકેશન ટ્રસ્ટના તબીબ અને તેમની ટીમ તૈનાત કરી ટિમ દ્વારા શહેરમાં રખડતા શ્વાનને પકડી તેનું ખસીકરણ અને રસીકરણ કરી ત્રણ દિવસ ઓબ્ઝર્વેશનમાં રાખી છોડી મુકવામાં આવે છે.
અંકલેશ્વર શહેરમાં રખડતા શ્વાનની વધતી જતી વસ્તી ઉપર નિયંત્રણમાં લાવવા નગરપાલિકા દ્વારા જરૂરી ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. નગરપાલિકા દ્વારા શ્વાનોને પકડી તેનું ખસીકરણ થાય અને સાથે રસીકરણ કરવામાં આવે તે માટે સંસ્કાર એજ્યુકેશન ટ્રસ્ટની નિમણૂંક કરી હાંસોટ રોડ ઉપર કમલમ તળાવ પાસે સેન્ટર ઉભું કરવામાં આવ્યું છે.
આ સેન્ટરમાં સંપૂર્ણ દવાઓ સાથે એક ઓપરેશન રૂમ તૈયાર કરવામાં છે સાથે સેન્ટર ઉપર શ્વાન માટે પાણી અને ખોરાકની પણ સુવિદ્યા ઉભી કરવામાં આવી છે. આ ટ્રસ્ટ દ્વારા સેન્ટર પર નિષ્ણાંત તબીબ અને શ્વાન પકડવાની ટીમ તૈનાત કરવામાં આવી છે. સાથે નગરપાલિકા દ્વારા એક ડોગ કેચીગ વાનની પણ ફાળવણી કરવામાં આવી છે.
ત્યારે આ ટીમ પાલિકાના કર્મચારીને સાથે રાખી શહેરના વિવિધ વિસ્તારોમાં પહોંચી જાય છે અને રખડતા શ્વાનને સલામત રીતે પકડી લે છે અને પકડાયેલ શ્વાને ડોગ કેચિંગ વાનમાં રાખી સેન્ટર ખાતે લાવવામાં આવે છે. નિષ્ણાંત પશુ તબીબ દ્વારા જરૂરી તપાસ કરી તેનું ઓપરેશન કરી ખસીકરણ કરવામાં આવે છે સાથે પ્રિ રેબિઝ વેક્સિન પણ આપવામાં આવે છે અને ખસીકરણ બાદ શ્વાનને ત્રણ દિવસ સુધી તબીબની દેખરેખ ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવે છે. ત્યાર બાદ તેને છોડી મુકવામાં આવે છે.
નગર પાલિકા દ્વારા અત્યાર સુધીમાં 261 જેટલા શ્વાનોનું ખસીકરણ અને રસીકરણ કરવામાં આવ્યું છે.