-
અંકલેશ્વર પંથકમાં ઊંચે ચઢતો ગરમીનો પારો
-
અસહ્ય ગરમીના કારણે બરફની માંગમાં વધારો
-
વિવિધ ઉદ્યોગોમાં બરફની માંગમાં વધારો થયો
-
કેમિકલ અને ફાર્મા ઉદ્યોગમાં બરફની માંગ વધી
-
હજારો લીટર પાણીના ઉપયોગથી બનતો બરફ
ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં આકાશમાંથી જાણે અગનગોળા વરસી રહ્યા છે. તો બીજી તરફ, બરફની માંગમાં પણ વધારો થયો છે. કાળઝાળ ગરમીમાં કેમિકલ અને ફાર્મા ઉદ્યોગોમાં ટેમ્પરેચર મેઇન્ટેઇન કરવા માટે બરફની ખૂબ માંગ વધી છે.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં ગરમીના વધતા પારા વચ્ચે ઔદ્યોગિક એકમમાં કાર્યરત બરફ ઉદ્યોગમાં તેજી આવી છે. ઠંડા પીણામાં વપરાતા બરફની માંગમાં વધારો થતા બરફનું વેચાણ વધ્યું છે. અંકલેશ્વર ઔદ્યોગિક એકમમાં કાર્યરત મોટાભાગના ઉદ્યોગોમાં કેમિકલ, ઇન્ટરમીડીયેટ, ફાર્મા અને ડાઇઝ સહિતની કંપનીઓમાં કાળઝાળ ગરમી દરમ્યાન ટેમ્પરેચર મેઇન્ટેઇન કરવા માટે બરફની ખૂબ માંગ રહેતી હોય છે. અંકલેશ્વર ખાતેની આઇસ ફેક્ટરીમાં એક દિવસમાં બરફની 250થી 300 પ્લેટ તૈયાર થાય છે. જેમાં અંદાજિત 30થી 35 ટન બરફનું વેચાણ થાય છે. ઉદ્યોગપતિ સમદ ખેરાણીએ જણાવ્યુ હતું કે, અંકલેશ્વરમાં વધતી જતી ગરમી વચ્ચે બરફની માંગમાં વધારો થયો છે.
એશિયન આઈસ ફેક્ટરીમાં બરફ બનાવવામાં 55થી 60 કલાકનો સમય લાગે છે. આ બરફ બનાવવામાં કુલ 3 હજાર લિટર પાણીનો વપરાશ થાય છે. 1 કેનમાં 100 લિટર પાણી વપરાય છે. જોકે, કેન મેઈન્ટેનન્સ માટે 90 દિવસનું શટડાઉન હોય, ત્યારે બહારથી ટેન્કર મંગાવવા પડે છે. આમ હવે ઉનાળાની કાળઝાળ ગરમી દરમ્યાન ઉદ્યોગોમાં પણ બરફની માંગમાં વધારો નોંધાયો છે.