રાજપારડીના ચાર રસ્તા ખાતે યોજાયો સન્માન કાર્યક્રમ
ભારતીય સેનામાં ઉત્કૃષ્ટ ફરજ બજાવી જવાનની નિવૃત્તિ
વતન આવેલા જવાનનું ફુલહાર પહેરાવી સ્વાગત કરાયું
જવાનના માદરે વતન ઉમધરા ગામે ભવ્ય રેલી યોજાય
દેશ સેવામાં આપેલા યોગદાન બદલ શુભેચ્છા પાઠવાય
ભરૂચ જિલ્લાના રાજપારડી ખાતે ભારતીય સેનામાં ફરજ બજાવી નિવૃત્ત થઈ વતન પરત આવેલા જવાનનું ફુલહાર પહેરાવી ભવ્ય સ્વાગત સાથે સન્માન કરવામાં આવ્યું હતું.
ભરૂચ જીલ્લાના ઝઘડીયા તાલુકાના ઉમધરા ગામના વતની અને હાલ ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન સત્યપાલસિંહ રાજેન્દ્રસિંહ અટાલિયા નિવૃત્ત થતાં તેઓ વતન પરત ફર્યા હતા, ત્યારે તેઓના સન્માનમાં રાજપારડી ખાતે સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો.
રાજપારડી ચાર રસ્તા ખાતે સત્યપાલસિંહ અટાલિયાનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું. તેઓ 18 વર્ષ સુધી અલગ અલગ સ્થળે ભારતીય સેનામાં ફરજ બજાવી ચૂક્યા છે, ત્યારે સ્વાગત કરાયા બાદ આર્મી મેન માદરે વતન ઉમધરા ગામ ખાતે રેલી સ્વરૂપે પહોચ્યા હતા, જ્યાં ગ્રામજનોએ સન્માન સમારોહ યોજી દેશ સેવામાં આપેલા યોગદાન બદલ સત્યપાલસિંહ અટાલિયાને શુભેચ્છા પાઠવી હતી. આ પ્રસંગે મોટી સખ્યામાં ગ્રામજનો જોડાઈ દેશ ભક્તિના રંગે રંગાયા હતા.