New Update
-
અંકલેશ્વરના બાકરોલ ગામ નજીક બન્યો હતો બનાવ
-
ઉકાઈ કેનાલમાં ઠલવાયુ હતું જોખમી કેમીકલ
-
પોલીસે 5 આરોપીઓની કરી હતી ધરપકડ
-
સેસન્સ કોર્ટે આરોપીઓના જામીન કર્યા રદ્દ
-
હજુ 3 લોકો છે વોન્ટેડ
અંકલેશ્વરના બાકરોલ ગામ નજીક ઉકાઈ જમણા કાંઠાની નહેરમાં કેમિકલ વેસ્ટ ઠાલવવાના મામલામાં ભરૂચ કોર્ટે કંપનીના મેનેજર સહીત 5 લોકોના જામીન રદ્દ કરી જેલ હવાલે કરવાનો હુકમ કર્યો છે. ઉલ્લેખનીય છે કે આ કેસમાં ક્યુવી લેબોરેટરી કંપનીના બે માલિક સહીત 3 લોકો વોન્ટેડ છે.
અંકલેશ્વર શહેર અને જીઆઈડીસીના ઉદ્યોગો અને રહેણાંક વિસ્તારના એક લાખથી વધુ લોકોને પાણી પૂરું પાડતી ઉકાઈ જમણા કાંઠાની નહેરમાં બાકરોલ નજીક કેમિકલ ઠાલવી દેવાતા હજારો લોકોના જીવ જોખમમાં મુકાયા હતા. ચિંતાજનક પરિસ્થિતિનું નિર્માણ થતા નહેરનો પાણી પુરવઠો અટકાવી દઈ 3 દિવસ સુધી અંકલેશ્વર નગર અને જીઆઈડીસીમાં ઇનલેટ વાલ્વ બંધ રખાયો હતો.
ઘટનાની પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવતા ગુજરાત પ્રદુષણ બોર્ડ નિયંત્રણ સાથે પોલીસ પણ તપાસમાં જોડાઈ હતી. નહેરના પાણીના પૃથ્થકરણ દરમિયાન જોખમી રસાયનનો નિકાલ કરાયો હોવાની ચોંકાવનારી હકીકત સામે આવતા આ ગુનાહિત કાવતરા સામે કડક તપાસના આદેશ થયા હતા. ગુનામાં સંડોવાયેલા જનરલ મેનેજર કૃપેશ પટેલ,મેનેજર ચિંતન ચૌહાણ, કંપનીના માલિક પ્રવીણ શાહના પુત્ર વેદાંત શાહ અને બે કેમિકલ માફિયાઓની ધરપકડ કરી લોકઅપ ભેગા કરાયા હતા.
આ કેસ કોર્ટમાં ચાલતા એડિશનલ સેસન્સ જજ સમક્ષ સરકારી વકીલ પરેશ પંડયાએ દલીલો કરી હતી. સરકારી પક્ષે જે કેમિકલ નહેરમાં ઠાલવી દેવાયું હતું તેના જોખમને વર્ણવતા રિપોર્ટ સાથે આ ગુનાહિત વ્યકિતઓના ભૂતકાળ વિષે કોર્ટને વાકેફ કરી હતી. કોર્ટે મુખ્ય સરકારી વકીલ પરેશ પંડયાની દલીલોને માન્ય રાખી આરોપીઓના જામીન રદ્દ કર્યા છે.
નોંધનીય છે કે કંપનીના માલિક પ્રવીણ શાહ અને અજિત શાહ પોલીસ ચોપડે ફરાર છે. માલિકવિદેશથી બેઠા બેઠા કેમિકલનો નિકાલ ક્યાં કેવી રીતે કોના દ્વારા અને ક્યાં સમયે કરવો તેની ઝૂમ મિટિંગ સહિતની ટેક્નોલોજી દ્વારા ગાઇડલાઇન આપતા હોવાની પોલીસને તપાસમાં માહિતી મળી છે. આ ઉપરાંત કેમિકલ વેસ્ટ નિકાલના કૌભાંડમાં સક્રિય અન્ય 3 લોકોની પણ પોલીસ શોધખોળ કરી રહી છે.
Latest Stories