-
ઉકાઈ કેનાલમાં રાસાયણિક પાણી ઠાલવવાનો મામલો
-
ભરૂચ ક્રાઇમ બ્રાન્ચને મળી મોટી સફળતા
-
પોલીસે 5 આરોપીઓની કરી ધરપકડ
-
કંપની સંચાલક સહિત વચેટિયાની પણ ધરપકડ
-
પોલીસે 150થી વધુ સીસીટીવી ચેક કર્યા
-
ક્યુ.વી.લેબ પ્રા.લી.ને ક્લોઝર ફટકારતું જીપીસીબી
અંકલેશ્વરના બાકરોલ ગામ નજીક ઉકાઈ કેનાલમાં જોખમી રસાયણ યુક્ત પાણી ઠાલવી દેવાના મામલામાં ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. પોલીસે આ મામલામાં પાંચ આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે,જ્યારે આ ઘટનામાં કસૂરવાર ક્યુ.વી.લેબ પ્રાઈવેટ લિમિટેડને ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ દ્વારા તાત્કાલિક અસરથી ક્લોઝર ફટકારીને કાર્યવાહી કરવામાં આવી છે.
અંકલેશ્વરના બાકરોલ ગામ નજીક ગત તારીખ 14 ફેબ્રુઆરીએ હેઝાર્ડસ કેમિકલ વેસ્ટને ઉકાઈ યોજનાની નહેરમાં ઠાલવી દેવાયું હતું. કેમિકલ એટલું તીવ્ર હતું કે પાણીમાં તરતી માછલીઓ તરફડીને ટપોટપ મરવા લાગી હતી.જ્યારે નહેરના પાણીનો રંગ બદલાયો હતો.ગંભીર બનાવ અંગે ઉકાઈ જમણા કાંઠા નહેર વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર શિલ્પા ભાલાણીએ પાનોલી પોલીસ મથકે અજાણ્યા ઈસમો સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
ત્યારે ક્રાઇમ બ્રાન્ચે પોલીસ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.પોલીસે સૌ પ્રથમ અંકલેશ્વરથી સુરત વચ્ચે માર્ગ પર રહેલા 150થી વધુ સીસીટીવી ફૂટેજ ચકાસ્યા હતા.જેમાં એક સંદિગ્ધ આઇસર ટેમ્પો નજરે પડ્યો હતો. જો કે ટેમ્પો મળ્યો પણ નંબર ન જણાતા પોલીસ માટે પડકાર ઉભો થયો હતો.
પોલીસને નંબર ના મળતા ડેડ એન્ડ માનવાના બદલે આઇસર ટેમ્પો શોધવા 150થી વધુ વાહનો ચકાસી નાખ્યા હતા. તેમજ ભંગાર માર્કેટમાં ભંગારીયાઓ, કામદારો તેમજ ટ્રક ચાલક સહિત અનેક લોકોની ઉલટ તપાસ કરતા અંતે પોલીસને સફળતા હાથ લાગી હતી અને આઇસર ટેમ્પો ચાલક મોહંમદ શમીઉદ્દીન મોહંમદ અકિલુદ્દીન શેખને શોધી તેની પૂછપરછ કરવામાં આવી હતી.
પોલીસ તપાસમાં વચેટિયા લુકમાન અબ્દુલ્લા ઈદ્રિશીનું નામ સામે આવતા પોલીસની એક ટીમે તેને પણ ઉઠાવી લીધો હતો. જે બાદ બંનેનું ઇન્ટ્રોગેશન શરૂ કરતા લુકમાને અબ્દુલ વહાબનું નામ આપ્યું હતું,તેના કહેવાથી તેણે અંકલેશ્વર જીઆઇડીસીમાં ખ્વાજા ચોકડી નજીક પ્લોટ નંબર 4616 પર આવેલ ક્યુ.વી.લેબ પ્રાઈવેટ લિમિટેડ માંથી રાસાયણિક પાણી ભરેલા 25 લીટરના 200 ડ્રમ કંપનીમાંથી આઇસરમાં ભરી લાવ્યો હતો અને અને ડ્રમ બાકરોલ નજીક રાત્રીના અંધારામાં કેનાલમાં ખાલી કરી દીધા હતા.અંદાજે 5000 લીટરનો રાસાયણિક કેમિકલ યુક્ત પાણી જથ્થો ઠાલવ્યો હોવાની કબૂલાત કરી હતી.
જેના આધારે પોલીસે ક્યુ.વી.લેબ પ્રાઈવેટ લિમિટેડના સંચાલક કૃપેશ ગોરધન પટેલ, ચિંતન જગદીશ ચૌહાણ અને વેદાંત પ્રવીણ શાહને પણ ઝડપી પાડ્યા હતા.કંપની પાસેથી રાસાયણિક પાણીનો નિકાલ કરવાનો કોન્ટ્રાક્ટ કરનાર અબ્દુલ વહાબને વોન્ટેડ જાહેર કરી તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા.
આ મામલામાં પોલીસે સાપરાધ માનવ વધનો ગુનો પણ દાખલ કર્યો છે. વધુમાં ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ દ્વારા પણ ક્યુ.વી.લેબ પ્રાઈવેટ લિમિટેડને તાત્કાલિક અસરથી ક્લોઝ ફટકારી લાઈટ પાણીના કનેકશન કાપવા માટેની કાર્યવાહી કરી છે.