-
ભાટવાડમાં ચોરીની ઘટનાથી ચકચાર
-
મહિલા ઘર બંધ કરીને સામાન ખરીદવા ગઈ હતી
-
બંધ ઘરને નિશાન બનાવતા તસ્કરો
-
રૂપિયા 4 લાખ ઉપરાંતના મુદ્દામાલની ચોરી કરી ચોર ફરાર
-
પોલીસે તસ્કરોનું પગેરું મેળવવા શરૂ કરી તપાસ
અંકલેશ્વર શહેરના ભાટવાડમાં સાંજના સમયે મહિલા ઘર બંધ કરી સમાન લેવા ગઈ હતી,તે દરમિયાન તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવ્યું હતું,અને સોના-ચાંદી દાગીના અને રોકડ મળી રૂપિયા 4 લાખ ઉપરાંતની મત્તા પર હાથફેરો કરી ફરાર થઇ ગયા હતા.
અંકલેશ્વર શહેરના સુરતી ભાગોળ રોડ પર આવેલા ભાટવાડમાં રહેતા શેખ મહોમદ નઇમની પત્ની સાંજે 5 વાગ્યે ઘરમાં રમઝાન અનુલક્ષીને સફાઈ કરી ઘર બંધ કરી સામાન ખરીદી કરવા માટે 15થી 20 મિનિટ માટે ગયા હતા.તે દરમિયાન તસ્કરોએ તેના પહેલા માળે રહેલા મકાનને નિશાન બનાવ્યું હતું.અને ઘરમાં સર સામાન વેરવિખેર કરીને 5 તોલા ઉપરાંતના સોનાના દાગીના ,ચાંદીના દાગીના સહિત અન્ય કિંમતી સામાનની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.
સામાન ખરીદીને મહિલા 20 મિનિટ બાદ ઘરે પરત આવતા તેઓને ચોરીનો અણસાર આવ્યો હતો,અને તેણીએ પતિ નઈમને જાણ કરતા તેઓ ઘરે દોડી આવ્યા હતા.જ્યાં સોના-ચાંદીના દાગીના ચોરી થયેલ હોવાનું જણાતા તેઓ દ્વારા શહેર એ ડિવિઝન પોલીસ મથકે જાણ કરતા પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો.અને જરૂરી તપાસ શરૂ કરી હતી.પોલીસે પ્રાથમિક અરજી સ્વરૂપે ફરિયાદ લઈને તપાસ શરૂ કરી છે.