-
ઉમરવાડામાં પ્રોલાઇફ સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટરનો પ્રારંભ
-
પ્રોલાઈફ ફાઉન્ડેશનના પ્રણેતા એમ.એસ.જોલીના વિચારોને સાર્થક કરતા ટ્રસ્ટી
-
યુવાનો,મહિલાઓ માટે આધુનિક કૌશલ્યો શીખવા માટેનું ઉત્તમ પ્લેટફોર્મ
-
આ સેન્ટર આત્મનિર્ભર બનવા માટે એક ઉત્તમ પ્લેટફોર્મ
-
કોમ્પ્યુટર શિક્ષણથી યુવાનોને ડિજિટલ યુગમાં નવી દિશા મળશે
-
મહેંદી, બ્યુટી પાર્લર,સીવણના કોર્સ મહિલાઓને આત્મનિર્ભર બનાવશે
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના ઉમરવાડા ગામમાં આજે વિકાસના એક નવા અધ્યાયની શરૂઆત થઈ છે. પ્રોલાઇફ ફાઉન્ડેશનના સહયોગથી બાબુ વકીલના નિવાસસ્થાને પ્રોલાઇફ સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટરનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે.આ સેન્ટર ગામના યુવાનો અને મહિલાઓ માટે આધુનિક કૌશલ્યો શીખવા અને આત્મનિર્ભર બનવા માટે એક ઉત્તમ પ્લેટફોર્મ પૂરું પાડશે. કોમ્પ્યુટર ક્લાસ, મહેંદી, બ્યુટી પાર્લર અને સીવણ જેવા કોર્સમાં કુલ 86 વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો છે.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના ઉમરવાડા ગામ ખાતે પ્રોલાઈફ ફાઉન્ડેશનના પ્રણેતા અને ફાઉન્ડર મનિન્દરસિંગ જોલીના વિચારોને અનુસરીને પ્રોલાઈફ ફાઉન્ડેશનના કરણસિંગ જોલી અને અન્ય ટ્રસ્ટ્રીઓની પ્રેરણાથી પ્રોલાઈફ સ્કિલ ડેવલપમેન્ટનો શુભારંભ કરવામાં આવ્યો છે.આ ઉદ્ઘાટન સમારંભમાં પ્રોલાઇફ ફાઉન્ડેશનના ડિરેક્ટર યોગેશભાઈ પારીક અને ઇન્ચાર્જ પુનિતભાઈ ઘોડાસરા મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા.
તેમજ આ પ્રસંગે હાઈકલ કંપનીના એચ.આર. ગુંજનભાઈ અને અક્ષયભાઈ, પાનોલી પોલીસ સ્ટેશનના પંકજભાઈ, અમેરિકામાં વસવાટ કરતા ઉમરવાડા ગામના વતની હુસેનભાઈ પટેલ, સબીરભાઈ પટેલ, સરપંચ ઈમ્તિયાઝ મકરોડ, બાબુ વકીલ, ડો.જુનેદ શેખ તથા સામાજિક કાર્યકર જુનેદ પાંચભાયા તેમજ મહિલા મોરચાની પ્રમુખ ફેમિદાબેન ગંગાત પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
પ્રોલાઈફ સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટર ઉમરવાડા ગામના યુવાનો અને મહિલાઓ માટે રોજગાર અને આત્મનિર્ભરતાનું સશક્ત માધ્યમ બનશે. કોમ્પ્યુટર શિક્ષણથી યુવાનોને ડિજિટલ યુગમાં નવી દિશા મળશે, જ્યારે મહેંદી, બ્યુટી પાર્લર અને સીવણના કોર્સ મહિલાઓને પોતાનો વ્યવસાય શરૂ કરવાની તક આપશે.
સરપંચ ઈમ્તિયાઝ મકરોડે જણાવ્યું હતું કે, “આ સેન્ટર યુવાનો માટે નવી આશાનું કિરણ છે, જે તેમને નોકરી અને જીવન સુધારવામાં સહાયરૂપ થશે.”જ્યારે ડો. જુનેદ શેખે જણાવ્યું હતું કે “આ પહેલ ગામના આર્થિક અને સામાજિક વિકાસ માટે મહત્વપૂર્ણ પગલું સાબિત થશે.”
પ્રોલાઇફ ફાઉન્ડેશનના ડિરેક્ટર યોગેશભાઈ પારીકે જણાવ્યું હતું કે, “અમે ગામડાઓમાં આધુનિક શિક્ષણ અને કૌશલ્ય લાવવા માટે પ્રતિબદ્ધ છીએ. ઉમરવાડા અમારું પ્રથમ પગલું છે, અને આવનારા સમયમાં વધુ સેન્ટરો શરૂ કરવાની અમારી યોજના છે.” આ સેન્ટરની શરૂઆત સાથે ઉમરવાડા ગામમાં શિક્ષણ અને રોજગારના નવા અવસરો ઊભા થયા છે, જે ગામ લોકોના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવશે.