ઘરફોડ ચોરીના આરોપીના મોતથી ચકચાર
વડોદરા SSG હોસ્પિટલમાં નીપજ્યું મોત
પોલીસ પર માર મારવાનો આક્ષેપ કરતો પરિવાર
અંકલેશ્વર સબ જેલમાં આરોપી કેદ હતો
પોલીસ દ્વારા સમગ્ર ઘટના અંગે તપાસ શરૂ કરાઈ
અંકલેશ્વર શહેર A ડિવિઝન પોલીસે સીકલીગર ગેંગના ચાર સાગરીતોની ઘરફોડ ચોરીમાં ધરપકડ કરી હતી.જે ઘટનામાં આરોપીઓ સબજેલમાં હતા,તે દરમિયાન એક આરોપીની તબિયત લથડતા તેને સારવાર અર્થે વડોદરાના SSG હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જોકે સારવાર દરમિયાન આરોપીનું મોત નિપજતા પરિવારજનોએ પોલીસ પર માર મારવાનો આક્ષેપ કર્યો હતો.
અંકલેશ્વર શહેરની અક્ષરદીપ સોસાયટીમાં રહેતા NRI જાકીર ઇસ્માઇલ બક્સા હાલ વિદેશમાં રહે છે. તેમના બંધ ઘરને સીકલીગર ગેંગે નિશાન બનાવ્યું હતું અને ઘરના દરવાજાનો નકુચો કાપી ઘરમાં પ્રવેશ કરી અંદરથી રૂપિયા 12,000 રોકડની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.આ અંગે જાકીર ઇસ્માઇલ બક્સાના સાઢુભાઈ સાદિક મુસા સેલોટે અંકલેશ્વર શહેર A ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
આ ઘટનામાં અંકલેશ્વર શહેર A ડિવિઝન પોલીસે શહેરના રામકુંડ રોડ પર આવેલ કૈલાશ નગર વિસ્તારમાંથી ચોરીના માસ્ટર માઈન્ડ જસબીર સિંગ ભાયા સિંગ સીકલીગર તેનો પુત્ર કરણ સિંગ જસબીર સિંગ સીકલીગર, વડોદરાના રીઢા ચોર મલખાન સિંગ રાજુ સિંગ ટાંક સીકલીગર અને સુરત ભેસ્તાનના કુખ્યાત ચોર અમૃતસિગ ઉર્ફે અન્ના બબલુ સિંગ ટાંકને ઝડપી પાડ્યા હતા. અને હાલમાં આ આરોપીઓ અંકલેશ્વરની સબજેલમાં કેદ હતા,જોકે જસબીર સિંગની તબિયત લથડતા પોલીસ દ્વારા તેને પ્રથમ ભરૂચ સિવિલ અને ત્યાંથી વધુ સારવાર માટે વડોદરાની SSG હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો,જ્યાં સારવાર દરમિયાન જસબીરનું મોત નીપજ્યું હતું.આ ઘટનાને પગલે મૃતક આરોપીના પરિવારજનોએ પોલીસ પર બેરહેમીપૂર્વક માર મારવામાં આવ્યો હોવાના કારણે તેનું મોત નીપજ્યું હોવાના ગંભીર આક્ષેપ કર્યો હતો.
ઘરફોડ ચોરીની પોલીસ તપાસમાં અંકલેશ્વર A ડિવિઝન પોલીસ મથકની 2 , B ડિવિઝન પોલીસ મથક વિસ્તારની 2, જંબુસર અને વેડચની 1-1 મળી 6 ચોરીનો ભેદ ઉકેલાયો હતો.ઝડપાયેલા આરોપીઓ સામે રાજ્યના વિવિધ જિલ્લામાં ચોરીના ગુના નોંધાયા છે.આરોપીના હોસ્પિટલમાં મોત અંગે અંકલેશ્વરના નાયબ પોલીસ અધિક્ષક ડો.કુશલ ઓઝાએ ટેલિફોનિક વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે આરોપીને છાતીમાં દુખાવો ઉપડતા સારવાર માટે ભરૂચ સિવિલ અને ત્યારબાદ વડોદરા SSG હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો,અને હાલ તેના મોત સંદર્ભે અકસ્માત મોત અંગેની ફરિયાદ દાખલ કરીને તપાસ શરૂ કરવામાં આવી છે,અને મૃતકનું પોસ્ટમોર્ટમ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે મૃતક આરોપીના પરિવારજનો દ્વારા પોલીસ પર આક્ષેપ કરવામાં આવ્યો છે,ત્યારે પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ આરોપીના મોતનું સાચું કારણ બહાર આવશે.