અંકલેશ્વર શહેરના વિવિધ વિસ્તારોમાં રસ્તે રખડતા શ્વાનોનો આતંક વધ્યો છે. રસ્તે રખડતા શ્વાનોલોકોને બચકા ભરે છે જેનાથી તેઓ ઇજાગ્રસ્ત થાય છે તો સાથે જ શ્વાનોથી બચતી વખતે વાહન ભગાવવાથી અકસ્માતના બનાવો પણ વધ્યા છે ત્યારે શ્વાનોની વસ્તીને અંકુશમાં લેવા માટે અંકલેશ્વર નગર સેવાસદન દ્વારા કમર કસવામાં આવી છે.
શ્વાનોના ખસીકરણ માટે રાજ્ય સરકાર દ્વારા અંકલેશ્વર નગરપાલિકાને રૂપિયા 6 લાખની વધારાની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. અંકલેશ્વર નગર સેવાસદન દ્વારા આ માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું જેમાં દાહોદની એજન્સીનું ટેન્ડર મંજૂર કરવામાં આવ્યું છે ત્યારે શહેરી વિસ્તારોમાં રખડતા શ્વાનોનું ખસીકરણ કરી શ્વાનોની વસ્તી પર અંકુશ લાવવામાં આવશે. અંકલેશ્વરમાં જાન્યુઆરીથી ઓક્ટોબર માસ સુધીમાં શ્વાન કરડવાના 80થી વધુ બનાવો બન્યા છે ત્યારે શ્વાનોનું ખસીકરણ કરવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે શ્વાનોની વસ્તી પર અંકુશ લાવવા હાઇકોર્ટે ગુજરાત સરકારને કાર્યવાહી કરવા ટકોર કરી હતી જે બાદ સરકાર દ્વારા વિવિધ નગરપાલિકાને સ્પેશ્યલ ગ્રાન્ટ ફાળવવામાં આવી છે.