શાળામાં AI ટેકનોલોજીથી સજ્જ અટલ ટિંકરિંગ લેબનું નિર્માણ, વિદ્યાર્થીઓને AIના ઉપયોગ અંગે આ લેબ વિસ્તૃત સમજ આપશે
ભરૂચ શહેરના ભોલાવ વિસ્તાર સ્થિત જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે AIથી સજ્જ અટલ ટિંકરિંગ લેબના આજરોજ ઉદ્ઘાટન સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શાળાના આચાર્ય, શિક્ષક-શિક્ષિકાઓ સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
અટલ ટિંકરિંગ લેબ (ATL) એ ભારતીય શાળાઓમાં નીતિ આયોગ હેઠળ અટલ ઇનોવેશન મિશન (AIM) દ્વારા સ્થાપિત એક હાઇ-ટેક વર્કસ્પેસ છે. જે વિદ્યાર્થીઓમાં નવીનતા અને સર્જનાત્મકતાને પ્રોત્સાહન આપવા માટે છે. આ લેબ વિદ્યાર્થીઓને 3D પ્રિન્ટર, રોબોટિક્સ કિટ્સ અને માઇક્રોકન્ટ્રોલર્સ જેવા સાધનો પ્રદાન કરે છે. જે તેમને વ્યવહારુ શિક્ષણમાં જોડાવા, STEM (વિજ્ઞાન, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને ગણિત)માં વ્યવહારુ કુશળતા વિકસાવવા અને વાસ્તવિક દુનિયાની સમસ્યાઓના ઉકેલો પર કામ કરવા માર્ગદર્શન આપે છે, ત્યારે ભરૂચ શહેરના ભોલાવ વિસ્તાર સ્થિત જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે CBSE વિભાગમાં અત્યાધુનિક અટલ ટિંકરિંગ લેબનો ભવ્ય ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો.
વિદ્યાર્થીઓ પુસ્તકિયા જ્ઞાનથી આગળ વધીને પ્રેક્ટિકલ જ્ઞાન મેળવી શકે, તે હેતુથી વિદ્યાર્થીઓમાં નવીનતા, સર્જનાત્મકતા અને સમસ્યાનું નિરાકરણ લાવવાની સંસ્કૃતિને પ્રોત્સાહન આપવાનો આ AI લેબનો ઉદ્દેશ્ય છે. અત્રે ઉલ્લેખનીય છે કે, અત્યાધુનિક અટલ ટિંકરિંગ લેબ્સ વિદ્યાર્થીઓને ડિઝાઇન થિંકિંગ, કોમ્પ્યુટેશનલ થિંકિંગ અને અનુકૂલનશીલ શિક્ષણમાં આવશ્યક કુશળતા વિકસાવવા સક્ષમ બનાવશે.
AI ટેકનોલોજીને એકીકૃત કરીને, લેબ વિદ્યાર્થીઓને AI અને તેના ઉપયોગોની વિશાળ સંભાવનાને શોધવાની અનન્ય તક પૂરી પાડશે, ત્યારે જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલ CBSE વિભાગમાં ગુણવત્તાયુક્ત શિક્ષણ પૂરું પાડવા અને વિદ્યાર્થીઓમાં સર્વાંગી વિકાસને પ્રોત્સાહન આપવાની પ્રતિબદ્ધતા માટે કટિબદ્ધ બની છે.
આ પ્રસંગે GPCB-અંકલેશ્વરના પ્રાદેશિક અધિકારી ડૉ. જિજ્ઞાશા ઓઝા, ગૌરવ રતનપા ચેરીટેબલ ટ્રસ્ટ, બારડોલી અને કસ્તુરબા સેવાશ્રમ, મરોલી સાથે સંકળાયેલ વાંસિયા ટેકનોલોજીના ઓનર ગૌરવ વાંસિયા, જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલના આચાર્યો રેખા શેલકે, મેઘના ટંડેલ, સીમી વાધવા સહિત મોટી સંખ્યામાં વાલીઓ તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા