-
ઉત્તરાયણના બે દિવસમાં ઈમરજન્સીના 182 કેસ નોંધાયા
-
108ના સ્ટાફે ખડેપગે ફરજ નિભાવી
-
મારામારી,અકસ્માત,દોરીથી ઇજા થવાના કેસ નોંધાયા
-
પેટમાં દુખાવો તેમજ પ્રસુતિના કેસમાં પણ વધારો
-
ધાબા પરથી પડી જવાના 10 કેસ નોંધાયા
ભરૂચ જિલ્લામાં ઉત્તરાયણ પર્વની ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. જોકે તહેવારના દિવસે રોડ અકસ્માત,ધાબા પરથી પડી જવાના, મારા મારી તેમજ દોરીથી કપાય જવાના કેસ મુખ્યત્વે નોંધાયા છે.
ભરૂચ જિલ્લામાં 14 અને 15 જાન્યુઆરી બે દિવસના ઉત્તરાયણમાં 182 જેટલા ઇમરજન્સીના કેસ 108 ઈમરજન્સી સેવામાં નોંધાયા હતા.સામાન્ય દિવસોમાં ભરૂચ જિલ્લામાં 88 જેટલા ઇમરજન્સી કેસ નોંધાતા હોય છે,પરંતુ ઉત્તરાયણને દિવસે એટલે કે 14મી જાન્યુઆરીના દિવસે 85 જેટલા કેસ નોંધાયા હતા,અને 15મી જાન્યુઆરીના રોજ 97 જેટલા કેસ 108 ઈમરજન્સી સેવામાં નોંધાયા હતા.15મી જાન્યુઆરીના રોજ એટલે કે વાસી ઉત્તરાયણના દિવસે 10.23 ટકાનો ઈમરજન્સી કેસોમાં વધારો નોંધાયો હતો.
14 અને 15 જાન્યુઆરી 2025ના બે દિવસમાં મારામારીના સાત કેસ,રોડ અકસ્માતના 33 કેસ, ધાબા પરથી પડી જવાના 10 કેસ તેમજ પતંગની દોરીથી ઈજા પામવાના 5 જેટલા કેસ 108 ઈમરજન્સી સેવામાં નોંધાયા હતા.આ સાથે મુખ્ય પેટમાં દુખાવાના 17 જેટલા કેસ, પ્રસુતિના 54 જેટલા કેસ પણ આ બે દિવસમાં નોંધાયા હતા.
ઉલ્લેખનીય છે કે ભરૂચ જિલ્લામાં 21 જેટલી 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સના 90 જેટલા સ્ટાફને એલર્ટ રાખવામાં આવ્યો હતો.જેથી દરેક આવનારી ઈમરજન્સીને યોગ્ય સારવાર કરી શકાય.