નિકોરા ગામમાંથી ચોંકાવનારી ઘટના સામે આવી
તાંત્રિક વિધિ બાબતે થયેલ મારમારીમાં થઈ હત્યા
ગંભીર રીતે ઇજાગ્રસ્ત એક વ્યક્તિનું મોત નીપજ્યું
મૃતકના પરિવારનો સગાવાળાઓ પર ગંભીર આક્ષેપ
નબીપુર પોલીસેફરિયાદ નોંધી વધુ તપાસ આદરી
ભરૂચ તાલુકાના નિકોરા ગામમાંથી ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં તાંત્રિક વિધિ બાબતે થયેલ મારમારીમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત વ્યક્તિનું મોત નિપજતા નબીપુર પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, ભરૂચ તાલુકાના નિકોરા ગામમાં ભુવા બોલાવી તાંત્રિક વિધિ કરવામાં આવી રહી હતી, ત્યારે પાડોશી સગાવાળાઓને શંકા જતાં ઘરમાં ઘુસીને ઝપાઝપી શરૂ કરી હતી. આ દરમિયાન ઇશ્વર ભઈજી માછી પટેલ નામના વ્યક્તિને ઘર બહાર રસ્તે ખેંચી લઈ જઈ નિર્દયતાપૂર્વક માર મારવામાં આવ્યો હતો. જેમાં તેને માથાના ભાગમાં ગંભીર ઇજા થતાં તેનું મોત નિપજ્યું હતું.
મૃતકના પુત્ર કનું ઈશ્વર ભયજી માછી પટેલએ જણાવ્યુ હતું કે, કાકા-મોટાના પરિવારના સભ્યોએ જ ઇશ્વર ભઈજીની હત્યા કરી છે. બનાવના પગલે નબીપુર પોલીસ દ્વારા ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. હત્યા બાદ સમગ્ર નિકોરા ગામમાં ચકચાર મચી જવા સાથે લોકોમાં ભયનો માહોલ છવાયો છે.
હાલ પોલીસે તાંત્રિક વિધિ કરાવનાર ભુવા સહિત અન્ય લોકોની પૂછપરછ શરૂ કરી છે. વધુમાં પેનલ પોસ્ટમોર્ટમ અને આરોપીઓની ધરપકડ માટે તજવીજ હાથ ધરવામાં આવી છે. આ બનાવ ફરી એકવાર ચેતવણી આપે છે કે, લોકોએ અંધશ્રદ્ધાથી દૂર રહી કાયદાકીય માર્ગ અપનાવવો જોઈએ, નહિંતર આવા વિવાદ જીવલેણ સાબિત થઈ શકે છે.