/connect-gujarat/media/media_files/2025/02/13/JMD659GopChK1l0YgCFn.png)
ભરૂચ શહેરના ભોલાવ વિસ્તાર સ્થિત જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થી કાર્તિકસિંહ ભરતસિંહ ગોહિલએ પોરબંદર ખાતે આયોજિત રાજ્યકક્ષાના કલા ઉત્સવ 2024-25 અંતર્ગત 'તબલા વાદન' સ્પર્ધામાં રાજ્ય સ્તરે તૃતીય સ્થાન મેળવી શાળા સહિત પરિવારનું ગૌરવ વધાર્યુ છે.
ભરૂચ જિલ્લા તરફથી રાજ્ય કક્ષા કલા ઉત્સવ 2024-25માં 'તબલા વાદન' સ્પર્ધામાં ભરૂચ શહેરના ભોલાવ વિસ્તાર સ્થિત જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલમાં ધોરણ 8માં અભ્યાસ કરતો પ્રતિભાશાળી વિદ્યાર્થી કાર્તિકસિંહ ભરતસિંહ ગોહિલએ પોતાની કલાનું ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી શાનદાર સિદ્ધિ હાંસલ કરી છે. આ સ્પર્ધામાં અનેક પ્રતિભાશાળી કલાકારો વચ્ચે પ્રાથમિક સ્તરે CRC કક્ષાએ પ્રથમ સ્થાન, BRC કક્ષાએ પ્રથમ સ્થાન અને ZONE કક્ષાએ પણ સતત પ્રથમ સ્થાન મેળવી પોતાની પ્રતિભા પ્રદર્શિત કરી હતી. અંતે 'રામબા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન-પોરબંદર’ ખાતે તા. 11મી ફેબ્રુઆરી-2025ના રોજ તબલા પર તાલ અને લય દ્વારા સૌના મન મોહી કાર્તિકસિંહ ગોહિલએ તૃતીય સ્થાન મેળવી ભરૂચ જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. કાર્તિકસિંહ ગોહિલની સિદ્ધિ બદલ શાળા પરિવાર અને સમગ્ર ભરૂચ જિલ્લાએ ગર્વની લાગણી અનુભવી છે.
શાળા ટ્રસ્ટના પ્રમુખ તેમજ જય અંબે ઈન્ટરનેશનલ સ્કૂલના પરિવારે વિજેતા કાર્તિકસિંહ ગોહિલ તેમજ પ્રોત્સાહન આપનાર શાળાના આચાર્ય સીમી વાધવા અને સહયોગી સંગીત શિક્ષક ભૂપતસિંહ પરમારને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા. આ સાથે જ ભવિષ્યમાં પણ વધું ઉન્નતિ માટે શુભેચ્છાઓ પાઠવી હતી. આ સિદ્ધિ પ્રાપ્ત થતાં કાર્તિકસિંહ ગોહિલે સાબિત કરી બતાવ્યું છે કે, કઠોર મહેનત અને સમર્પણ દ્વારા કોઈપણ સપનાને સાકાર કરી શકાય છે.