જિલ્લાના વિવિધ પોલીસ મથક વિસ્તારોમાં આયોજન
અમદાવાદ રેપિડ એક્શન ફોર્સ દ્વારા ફ્લેગ માર્ચ યોજાય
સ્થાનિક પોલીસને સાથે રાખી ફ્લેગ માર્ચનું આયોજન
સંવેદનશીલ, અતિ-સંવેદનશીલ વિસ્તારોમાં ફ્લેગ માર્ચ
સંવેદનશીલ વિસ્તારોમાં પરિસ્થિતીનો ચિતાર મેળવાયો
ભરૂચ જિલ્લાના વિવિધ પોલીસ મથક વિસ્તારોમાં અમદાવાદ રેપિડ એક્શન ફોર્સ દ્વારા સ્થાનિક પોલીસને સાથે રાખી ફ્લેગ માર્ચ યોજાય હતી, જ્યાં સંવેદનશીલ તથા અતિ-સંવેદનશીલ વિસ્તારોની ભૌગોલિક સ્થિતિનો ચિતાર મેળવાયો હતો.
ભવિષ્યમાં હુલ્લડ અથવા કાયદો-વ્યવસ્થાની વિકટ પરિસ્થિતિ સર્જાય ત્યારે તાત્કાલિક પ્રતિસાદ આપી પરિસ્થિતિ પર કાબુ મેળવી શકાય તે હેતુથી ભરૂચ શહેરના સંવેદનશીલ તથા અતિ-સંવેદનશીલ વિસ્તારોમાં અમદાવાદ રેપિડ એક્શન ફોર્સ દ્વારા સ્થાનિક પોલીસને સાથે રાખી ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત રાજ્ય 100 યુવા બટાલિયન રેપિડ એક્શન ફોર્સના કમાન્ડન્ટ રતુલ દાસના આદેશ અનુસાર, સહાયક કમાન્ડન્ટ ઉજ્જવલકુમાર તિવારી તથા ઇન્સ્પેક્ટર જી.ડી.બલવીર મીણાના નેતૃત્વ હેઠળ તા. 8થી 13 ફેબ્રુઆરી દરમિયાન ભરૂચ જિલ્લાના વિવિધ પોલીસ મથક વિસ્તારોમાં ફ્લેગ માર્ચનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે, ત્યારે ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણાના માર્ગદર્શન હેઠળ ભરૂચ શહેરના એ’ તથા બી’ ડિવિઝન પોલીસ મથકના સંવેદનશીલ વિસ્તારોમાં ફ્લેગ માર્ચ યોજાય હતી. આ ફ્લેગ માર્ચ સોનેરી મહેલ પોલીસ મથકથી પ્રસ્થાન થઈ કોઠી, જામા મસ્જિદ, લાલ બજાર, ચકલા તથા હજીખાના વિસ્તારોમાંથી પસાર થઈ પરત સોનેરી મહેલ ખાતે પૂર્ણ થઈ હતી. સમગ્ર ફ્લેગ માર્ચ દરમ્યાન ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં પોલીસ જવાનો ઉપસ્થિત રહ્યા હતા.