ભરૂચ- અંકલેશ્વરમાં ચક્કજામની પરિસ્થિતિ, NH 48 સહિત આંતરિક માર્ગો પર પણ વાહનોના ખડકલા

ભરૂચમાં છેલ્લા બે દિવસથી સતત ટ્રાફિક જામની સમસ્યા જોવા મળી રહી છે, જેના કારણે મુસાફરો અને વાહનચાલકોને ભારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે..

New Update
  • ભરૂચમાં ભારે ટ્રાફિકજામની પરિસ્થિતિ

  • નેશનલ હાઇવે પર વાહનોની કતાર

  • આંતરિક માર્ગો પણ ટ્રાફિકજામની ચપેટમાં

  • અનેક વાહનચાલકો અટવાયા

  • અંકલેશ્વર નજીક પણ ટ્રાફિકજામ

ભરૂચ અને અંકલેશ્વરમાં ભારે ટ્રાફિક જામની સ્થિતિના પગલે ચક્કાજામની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું નેશનલ હાઈવે અને શહેરના આંતરિક માર્ગો પર પણ ટ્રાફિકજામ સર્જાતા અનેક વાહન ચાલકો અટવાયા હતા
ભરૂચમાં છેલ્લા બે દિવસથી સતત ટ્રાફિક જામની સમસ્યા જોવા મળી રહી છે, જેના કારણે મુસાફરો અને વાહનચાલકોને ભારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. આજે મનુબર ચોકડીથી શ્રવણ ચોકડી સુધી  વાહનોની કતાર જોવા મળી હતી. ભરૂચ શહેરના જંબુસર બાયપાસથી લઈને મહંમદપુરા સુધી પણ  ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા.
ટ્રાફિક જામ એટલો ગંભીર બન્યો કે મોટા વાહનો જેમને સામાન્ય રીતે બાયપાસ પરથી ડાયવર્ટ કરવામાં આવે છે તે પણ શહેરના માર્ગ પરથી પસાર થતા જોવા મળ્યા હતા. જેના કારણે શહેરમાં ટ્રાફિકજામની સ્થિતિ વધુ વિકટ બની હતી.બીજી તરફ, ન્યાય મંદિર ચોકડી પરથી સુરતથી વડોદરા જતા વાહનો પણ નબીપુર પાસે લાંબા સમય સુધી અટવાઈ ગયા હતા. નેશનલ હાઇવે નંબર 48 પર પણ ટ્રાફિક જામના કારણે વાહનોની લાંબી કતાર જોવા મળી રહી છે. મુસાફરોને તેમના ગંતવ્ય સુધી પહોંચવા કલાકો સુધી રાહ જોવી પડી રહી છે.
ભરૂચ જેવા દ્રશ્ય જ અંકલેશ્વરમાં પણ જોવા મળી રહ્યા છે. અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર 48 પર સુરતથી વડોદરા તરફ જતી લેનમાં ભારે ટ્રાફિકજામના દ્રશ્યો જોવા મળ્યા હતા.લગભગ ત્રણથી ચાર કિલોમીટર સુધી વાહનોની લાંબી કતાર લાગતા અનેક વાહન ચાલકો અટવાયા હતા ટ્રાફિક જામની રોજિંદી બની રહેલી સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવા પોલીસ વિભાગ એક્શન પ્લાન બનાવે તેવી લોકોમાં કરી રહ્યા છે.
Latest Stories