![a](https://img-cdn.thepublive.com/fit-in/1280x960/filters:format(webp)/connect-gujarat/media/media_files/2025/01/03/anB15pkS0ua2TUAL4HX4.png)
ભરૂચ જિલ્લાના વાગરા તાલુકામાં આવેલ કડોદરા ગામ નજીક માર્ગ અકસ્માતની ઘટના બની હતી. અને બાઇક સવાર યુવાન નું મોત નીપજ્યું હતું. આ કેસમાં કોર્ટે બે આરોપીઓ વિરુદ્ધ દંડ સાથે સજાનો હુકમ કર્યો હતો.
ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના કડોદરા ગામ નજીક તારીખ 27-04-2021ના રોજ બુલેટ ચાલકને રોંગ સાઈડ પર આવતી સેલેરિયો કારના ચાલકે અડફેટમાં લીધો હતો,અને બુલેટ ચાલક આરીફ ઉછળીને રોડ વચ્ચે પડ્યો હતો. તે સમયે એક પિકઅપના ચાલકે બુલેટ ચાલક આરીફને ટક્કર મારી માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી સ્થળ ઉપર મોત નીપજાવી નાસી છૂટ્યો હતો.
આ સમગ્ર ઘટના અંગે દહેજ પોલીસ મથકમાં ગુનો દાખલ કરી પોલીસે મારુતિ સુઝુકી સેલેરીઓના ચાલક પ્રવિણ વસાવા તેમજ પિકઅપ ચાલક રઘુ ભરવાડની ધરપકડ કરીને વાગરા કોર્ટમાં રજૂ કર્યા હતા.કોર્ટમાં ફરિયાદી પક્ષના સરકારી વકીલોની દલીલોને સાંભળી જજ આર.સી સોઢા પરમારે બંને આરોપીઓને ગુનેગાર ઠેરવી પ્રવિણ વસાવાને 3 માસની સાદી કેદ તેમજ 1000 રૂપિયા પૂરા ચૂકવવાના દંડની સજા સંભળાવી હતી.જ્યારે આરોપી રઘુ ભરવાડને એક વર્ષની સાદી કેદ તેમજ 2500 રૂપિયા દંડની સજા સંભળાવી હતી અને બંને આરોપી દંડ ભરવામાં કસૂર કરે તો વધુ 15 દિનની કેદની સજાનો હુકમ કરી 2021માં સર્જાયેલ દુર્ઘટનામાં ન્યાયિક ચુકાદો આપ્યો હતો.