-
પાલિકા કર્મચારીનું ફરજ દરમિયાન નીપજ્યું હતું મોત
-
25 વર્ષથી પાલિકામાં રોજમદાર તરીકે ફરજ નિભાવતા
-
પરિવારને આર્થિક સહાય ચૂકવવામાં આવે તેવી માંગ
-
વિપક્ષને સાથે રાખી પરિવારજનોએ કરી સહાયની માંગ
-
અગાઉ પણ કરવામાં આવી હતી સત્તાધીશોને રજૂઆત
ભરૂચ નગરપાલિકાના રોજમદાર કર્મચારીનું ફરજ દરમિયાન મોત નીપજ્યું હતું. જે ઘટનામાં વિપક્ષને સાથે રાખી મૃતકના પરિવારજનોએ પાલિકા કચેરીએ આર્થિક સહાયની માંગ કરી હતી.
ભરૂચ નગરપાલિકાના વોટર વર્કસના રોજમદાર કર્મચારી શંભુ વસાવા શહેરના સોનેરી મહેલ પાણીની ટાંકી ખાતે ફરજ પર હતા. જોકે, તેઓની તબિયત બગડતા તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેઓને ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. શંભુ વસાવા છેલ્લા 25 વર્ષથી રોજમદાર તરીકે પાલિકામાં ફરજ બજાવતા હતા.
તેઓને સારવાર માટે લઇ જવામાં આવતા પાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓ પણ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. જોકે, તે બાદ તેમના પરિવારને સાંત્વના પાઠવવા કે, સહાય માટે કોઈપણ નહીં ફરકતા આદિવાસી સમાજમાં નારાજગી સાથે રોષ જોવા મળ્યો છે.
તો બીજી તરફ, મૃતકના પુત્ર રાહુલ વસાવાએ તેના પિતાને અકસ્માત બાદ બ્રેઈન હેમરેજ હોવા અંગે રજૂઆત કરી હતી, પણ તેમની બદલી કરવામાં ન આવી હોવાનો આક્ષેપ કરી પરિવારની કોઈ ખબર પણ પૂછવામાં આવી ન હોવાનું જણાવ્યુ હતું. પરિવારના મોભીનું મોત નિપજતા મૃતકના પુત્ર અને પરિવારજનોએ અગાઉ પણ પાલિકા પાસે સહાયની માંગ કરી હતી.
જોકે, આજદિન સુધી પરિવારને સહાય નહીં મળતા મૃતકના પરિવારજનોએ પાલિકા વિપક્ષ નેતા સમસાદ અલી સૈયદ, સભ્ય હેમેન્દ્ર કોઠીવાલા સહિતના આગેવાનોને સાથે રાખી પાલિકા પ્રમુખ વિભૂતિ યાદવ, ઉપપ્રમુખ અક્ષય પટેલ તેમજ ચીફ ઓફિસર હરેશ અગ્રવાલને આર્થિક સહાય અંગે ઉગ્ર રજૂઆત કરી હતી.