/connect-gujarat/media/media_files/2025/11/05/bhadhut-2025-11-05-12-06-56.jpeg)
ભરૂચ ખેડૂતોના હિત માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં રાજય સરકારે જિલ્લાના ભાડભૂત બેરેજના અસરગ્રસ્ત ખેડૂતો માટે ખેડૂતલક્ષી મહત્વનો નિર્ણય લીધો છે.ત્યારે જિલ્લા વહીવટીતંત્રએ જમીન સંપાદનની પ્રક્રિયા વધુ સરળ અને પારદર્શી બનાવી ખેડૂતોનું હીત જાળવ્યું છે.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના 6 ગામોની કુલ 819 હેક્ટર જમીનના સંપાદન માટે, ખેડૂત હિત સર્વોપરી ન્યાયે સરકારે ખેડૂતોની સંમતિથી જમીન મેળવવા માટે, બજાર કિંમત કરતાં પણ વધુ' સંમતિ એવોર્ડ' ભાવો જાહેર કર્યા છે. જ્યાં અંદાજિત 5 હજાર કરતા પણ વધુ ખેડૂતોને લાભ થશે.
ખેડૂતો પ્રત્યેની સંવેદના દાખવતાં અંકલેશ્વર તાલુકાના બોરભાઠા, બોરભાઠાબેટ, સક્કરપોર, સરફુદીન, તરીયા અને ધંતુરીયા ગામો માટે સરકારે હયાત જમીન માટે અને ડૂબાણની જમીનના પણ સંમતિ એવોર્ડ જાહેર કરતા સ્થાનિક ખેડૂતો માટે દેવ દિવાળી ખરા અર્થમાં સાર્થક બની છે. તંત્રની અસરકારક કાર્યવાહીના પરિણામે, ખેડૂતોને ધારણા કરતા વધુ વળતર આપીને જમીન સંપાદન માટે સર્વોત્તમ 'સંમતિ એવોર્ડ' ભાવો જાહેર કરી ખેડૂતોના જીવનમાં સમૃદ્ધિ લાવવાનું અને સરકારની ખેડૂતલક્ષી નીતિનો સ્પષ્ટ સંદેશ સરકારે આપ્યો છે.
ભાડભૂત બેરેજ યોજના માત્ર એક પ્રોજેક્ટ નથી, નર્મદાના મીઠા પાણીને વેડફાતું અટકાવીને, ભરૂચ-અંકલેશ્વર વિસ્તારને દરિયાની ખારાશથી બચાવવા, મીઠા પાણીનો સંગ્રહ કરવા અને કૃષિ તેમજ ઉદ્યોગોને નવજીવન આપવા માટેનો સંજીવની સમાન મહત્વકાંક્ષી પ્રોજેક્ટ છે. ત્યારે જિલ્લા વહીવટી તંત્રએ તમામ અસરગ્રસ્ત ખેડૂતભાઈ-બહેનોને વિનંતી કરી છે કે, તેઓ રાષ્ટ્રહિત અને પોતાના આર્થિક હિતને ધ્યાનમાં રાખીને વહેલી તકે સંમતિ કરાર કરે અને આ વિશેષ વળતર યોજનાનો વહેલી તકે લાભ લે.
અંકલેશ્વર તાલુકાના નવા હરિપુરા સજોદ ગામના રહેવાસી ઠાકોર પરસોત્તમભાઈ પટેલે રાજ્ય સરકાર અને જિલ્લા વહીવટી તંત્રની પ્રશંસા કરતા જણાવ્યું કે,ભાડભૂત બેરેજમાં અમારી જમીન સંપાદિત થઈ છે.તંત્રની સંપૂર્ણ કામગીરી પારદર્શી હતી,જેથી 'સંમતિ એવોર્ડ'ના પૈસા તરત જ અમારા ખાતામાં જમા થઈ ગયા છે. સૌથી મહત્વની વાતએ છે કે, અમારી ધારણા કરતાં પણ વધારે રકમ મળી છે! આ માટે હું રાજ્ય સરકાર અને વહીવટીતંત્રનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું.