નર્મદા કોલેજના વિદ્યાર્થીની સિદ્ધિ
VNSGU દ્વારા શાસ્ત્રીય સંગીત સ્પર્ધા યોજાઈ હતી
વિદ્યાર્થી દેવ શુક્લએ સ્પર્ધામાં પ્રાપ્ત કરી સિદ્ધિ
શાસ્ત્રીય સંગીત ગાયન સ્પર્ધામાં મેળવ્યું પ્રથમ ઇનામ
દેવ શુક્લએ કોલેજ સહિત જિલ્લાનું ગૌરવ વધાર્યું
ભરૂચની નર્મદા કોલેજના વિદ્યાર્થી દેવ આર.શુક્લાએ 52માં યુવા મહોત્સવમાં શાસ્ત્રીય ગાયનની સ્પર્ધામાં પ્રથમ ઈનામ મેળવીને કોલેજ થતા જિલ્લાનું ગૌરવ વધાર્યું હતું.
વલસાડ સ્થિત વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી દ્વારા આયોજિત 52માં યુવા મહોત્સવમાં નર્મદા કોલેજ ઓફ સાયન્સ એન્ડ કોમર્સના વિદ્યાર્થી દેવ આર. શુક્લાએ શાસ્ત્રીય ગાયન સ્પર્ધામાં પ્રથમ ઇનામ મેળવી કોલેજ તથા જિલ્લાનું ગૌરવ વધાર્યું છે.
આ યુવા મહોત્સવમાં દક્ષિણ ગુજરાતની વિવિધ કોલેજોના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. તમામ કોલેજો વચ્ચે યોજાયેલી કઠિન સ્પર્ધામાં દેવ શુક્લાએ પોતાની ગાયકીની ઉત્તમ કળા અને આત્મવિશ્વાસ સાથે પ્રદર્શન કરી દક્ષિણ ગુજરાત સ્તરે પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું. દેવ આર.શુક્લા પ્રખ્યાત શાસ્ત્રીય સંગીતના ગુરુ સુકેતુ ઠાકોરના શિષ્ય છે. ગુરુ સુકેતુ ઠાકોરના માર્ગદર્શન, સતત તાલીમ અને શાસ્ત્રીય સંગીત પ્રત્યેની સમર્પિત સાધનાના પરિણામે દેવ શુક્લાને આ મહત્વપૂર્ણ સફળતા પ્રાપ્ત થઈ છે. આ સિદ્ધિ સાથે ગુરુ સુકેતુ ઠાકોરનું નામ પણ સમગ્ર સાઉથ ગુજરાતમાં ગૌરવપૂર્વક ઉજાગર થયું છે. દેવ શુક્લાની આ સિદ્ધિ બદલ નર્મદા કોલેજના પ્રાધ્યાપકો, સ્ટાફ તેમજ વિદ્યાર્થીઓ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. કોલેજના સંચાલન દ્વારા પણ દેવ શુક્લા તથા તેમના ગુરુ સુકેતુ ઠાકોરને શુભેચ્છાઓ પાઠવી તેમના ઉજ્જવળ ભવિષ્યની કામના કરવામાં આવી છે.