હજુ ધડ અને 2 પગ મળવાના બાકી, પોલીસના હવામાં બાચકા
ભરૂચના કોલેજ રોડ પર આવેલ દૂધધારા ડેરી નજીકની ગટરમાંથી શનિવારે સમી સાંજના સમયે માનવ શીશ મળી આવ્યું હતું. શ્વાનો માનવશિશને ચૂંથી રહ્યા હતા તે દરમિયાન આ ઘટના બની હતી.
આ અંગે પોલીસ અને સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીને જાણ કરાતા તેઓ દોડી આવ્યા હતા અને અન્ય અંગોની શોધખોળ હાથ ધરી હતી દરમિયાન રવિવારે સવારના સમયે કમરથી ઘૂંટણ સુધીનો ભાગ મળી આવ્યો હતો તો રવિવારે સાંજે જ આ ગટરની સામે આવેલ ગટરમાંથી એક હાથ મળી આવ્યો હતો.
સામાજિક કાર્યકરો અને પોલીસ દ્વારા શોધખોળ ચાલુ રાખવામાં આવતા આજે સવારે બીજો પણ એક હાથ મળી આવ્યો હતો. આ મામલામાં હવે ધડ અને બંને પગ હજુ સુધી મળી આવ્યા નથી જેની શોધખોળ હજુ ચાલી રહી છે.
આ મામલે ભરૂચ પોલીસ દ્વારા ક્રાઈમ બ્રાન્ચ, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અને લોકલ પોલીસની વિવિધ ટીમો બનાવવામાં આવી છે અને મૃતકની ઓળખ કરવાની તજવીજ શરૂ કરવામાં આવી છે. પોલીસ ગુમ થયેલા લોકોની યાદી તપાસી રહી છે સાથે જ નજીકના સીસીટીવી ફૂટેજ પણ ચેક કરવામાં આવી રહ્યા છે.
આ મામલામાં હત્યાની આશંકા સેવાય રહી છે. કોઈ વ્યક્તિની હત્યા કર્યા બાદ તેના અંગોને કાપી ગટરમાં નિકાલ કરાયો હોવાની પ્રબળ શકયતા વ્યક્ત કરવામાં આવી રહી છે.