-
ખેલ મહાકુંભ 3.0 નો પ્રારંભ
-
1.53 લાખ રમતવીરોનું રજીસ્ટ્રેશન
-
24 જેટલી રમતમાં ખેલાડીઓએ લીધો ભાગ
-
તાલુકાકક્ષાએ સ્કૂલમાં સ્પર્ધાઓમાં ખેલાડીઓએ લીધો ભાગ
-
જિલ્લાકક્ષાએ વિજેતા ખેલાડી રાજ્યકક્ષાની સ્પર્ધામાં લેશે ભાગ
ભરૂચ જિલ્લામાં ખેલ મહાકુંભ 3.0નો પ્રારંભ થયો છે,જેમાં 1.53 લાખ રમતવીરોએ ખેલ મહાકુંભમાં અલગ અલગ રમતોમાં રજીસ્ટ્રેશન કરાવ્યું છે.
રાજ્યમાં ખેલકૂદનું વાતાવરણનું નિર્માણ થાય, પ્રતિભાશાળી ખેલાડીઓને યોગ્ય તક મળી રહે તે માટે સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા ભરૂચ જિલ્લામાં ખેલ મહાકુંભનો તારીખ 6 જાન્યુઆરીથી તાલુકા કક્ષાનો પ્રારંભ થઈ ગયો છે.ખેલ મહાકુંભમાં ભરૂચ જિલ્લામાં 1.53 લાખ જેટલા ખેલાડીઓએ 24 જેટલી રમતોમાં ભાગ લેવા માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે. ભરૂચ જિલ્લામાં વિવિધ તાલુકા કક્ષાએ વિવિધ સ્કૂલમાં સ્પર્ધાઓમાં ખેલાડીઓ ભાગ લેશે. શાળા અને ગ્રામ્ય કક્ષાએ વિજેતા ખેલાડીઓ તાલુકા કક્ષાએ અને તાલુકા કક્ષાએ વિજેતા ખેલાડીઓ જિલ્લાકક્ષાની સ્પર્ધામાં ભાગ લેશે.જ્યારે જિલ્લા કક્ષાએ વિજેતા થયેલા ખેલાડીઓએ ઝોનકક્ષા/રાજયકક્ષાની સ્પર્ધાઓમાં ભાગ લેશે.
તારીખ 6 જાન્યુઆરીએ ભરૂચ તાલુકામાં સંસ્કાર સ્કૂલ ખાતે વોલીબોલ રમતની સ્પર્ધાનું આયોજન કરાયું હતું, જેમાં અલગ અલગ વયજુથમાં ભાઈઓ બહેનો મળી કુલ 67 ટીમોએ ભાગ લીધો હતો, આ સિવાય તારીખ 7 જાન્યુઆરીના રોજ કે.જી.એમ શાળા ખાતે એથ્લેટીક્સ રમતનું આયોજન થયું હતું. જેમાં અંડર-9, અંડર -11, અંડર -14, અંડર-17 અને ઓપન કેટેગરી મળી કુલ આશરે 636 જેટલા ખેલાડીઓએ ભાગ લીધો હતો. એથ્લેટીક્સ રમતને કે.જી.એમ શાળાના આચાર્ય ઉપાશના શર્મા મેડમે ખુલ્લો મુક્યો હતો. આ ખેલાડીઓ તાલુકાકક્ષાએ વિજેતા થઈ હવે જિલ્લા કક્ષાએ રમવા જશે અને ત્યારબાદ ફેબ્રુઆરી મહિનામાં ઝોન કક્ષા અને રાજ્યકક્ષાએ રમવા જનાર છે.આ ઉપરાંત એથ્લેટીક્સ રમત માંથી ટેલેન્ટ આઈડેન્ટીફિકેશન કરી પ્રતિભાશાળી ખેલાડીઓને ડી.એલ.એસ.એસ માટે તૈયાર કરવામાં આવનાર છે.