-
જેલ પ્રશાસનની દિવાલના બાંધકામનો વિરોધ
-
પોલીસ બંદોબસ્ત સાથે ચાલી રહેલી કામગીરી સ્થાનિકોએ અટકાવી
-
સબજેલની બાજુમાં મેદાનમાં કરવામાં આવી રહી હતી કામગીરી
-
સ્થાનિકોએ કલેક્ટરને પાઠવ્યું આવેદનપત્ર
-
કલેકટરે યોગ્ય અભ્યાસ કરીને નિર્ણય કરવાની હૈયા ધારણા આપી
ભરૂચ જેલ પ્રશાસન દ્વારા સબજેલની બાજુમાં આવેલ મેદાન પર પોલીસ બંદોબસ્ત સાથે દિવાલના બાંધકામની કામગીરી શરૂ કરવામાં આવી છે. જેનો સ્થાનિકોએ વિરોધ વ્યક્ત કર્યો હતો,અને જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી રજુઆત કરી આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી.
ભરૂચ સબજેલની બાજુમાં બૌડાનું શાળા અને રમત ગમતનું મેદાન આવેલ છે.આ મેદાન બૌડા અંતર્ગત નગર યોજના -૩ અંતિમ ખંડ 94-95 થી આવ્યું છે. આ મેદાનની માલિકી વિવાદાસ્પદ છે અને આ અંગેની એક અરજી હાઇકોર્ટના ફ્લોર ઉપર છે.આ જમીન પરથી અહીંના સ્થાનિકોની અવરજવર માટેનો રસ્તો પણ આવેલો છે.
આ વિવાદાસ્પદ જગ્યા પર પુનઃ એકવાર જેલ પ્રશાસન દ્વારા જેસીબી અને પોલીસ બંદોબસ્ત સાથે દિવાલ બનાવવાનું કામ ચાલુ કરવામાં આવતા સ્થાનિકોએ તેનો વિરોધ કરી કામ અટકાવવાની માંગ કરી હતી.ત્યાર બાદ સ્થાનિક રહીશોએ જિલ્લા કલેકટર કચેરી ખાતે જઈ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું,અને રજૂઆત કરી હતી કે આ મેદાનની અરજી હાઇકોર્ટમાં ફ્લોર ઉપર હોય આ કાર્યવાહી કોર્ટની અવમાનના ગણી શકાય.
અને જેલ પ્રશાસન દ્વારા બનાવાય રહેલ દિવાલનું કામ તાત્કાલિક ધોરણે અટકાવવાની માંગ કરી હતી.જો કામગીરી બંધ કરવામાં નહિ આવે તો રમત ગમતના સાધનો સળગાવી દઈ ધરણા યોજી આંદોલનની ચીમકી પણ સ્થાનિકોએ ઉચ્ચારી હતી.જિલ્લા કલેકટર દ્વારા આ બાબતે અભ્યાસ કરી યોગ્ય નિર્ણય કરવાની હૈયા ધારણા સ્થાનિકોને આપવામાં આવી હતી.