ગુજરાત રાજ્યના શિક્ષણમંત્રી પ્રફુલ પાનશેરીયાએ આજરોજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ-ભરૂચ સંચાલિત પોલીસ હેડ ક્વાર્ટર્સ મિશ્ર શાળા ક્રમાંક-44ની આકસ્મિક મુલાકાત લીધી હતી. તેમણે શિક્ષણકાર્યની સમીક્ષા કરી ભૂલકાઓ સાથે આત્મીય સંવાદ કરી પ્રોત્સાહિત કર્યા હતા.
રાજ્યના શિક્ષણમંત્રી પ્રફુલ પાનશેરીયાએ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ-ભરૂચ સંચાલિત પોલીસ હેડ ક્વાર્ટર્સ મિશ્ર શાળા ક્રમાંક-44ના શાળા પરિસરનો રાઉન્ડ લઈ ઉપલબ્ધ સુવિધાઓ તેમજ વિવિધ વર્ગોમાં જઈ શિક્ષણકાર્ય નિહાળ્યું હતું. શાળાની શિક્ષણ કામગીરીથી શિક્ષણમંત્રી પ્રભાવિત થયા હતા અને ફરજ પર હાજર શિક્ષિકાઓને બિરદાવ્યા હતા. તેમણે વર્ગમાં જુદા-જુદા ધોરણના બાળકોની એકમ કસોટી તેમજ બાળકોનું લખાણ, શિક્ષકોની ચકાસણી વગેરે કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. બાળકોએ પણ શિક્ષણમંત્રી સાથે સાહજિક પ્રશ્નોત્તરી કરી હતી, અને શિક્ષણમંત્રીની મુલાકાતથી શાળાના આચાર્ય સહિત શિક્ષકો અને વિદ્યાર્થીઓ ખૂબ જ ઉત્સાહિત થયા હતા.