ભરૂચ શહેર અને જિલ્લામાં વરસાદી માહોલ
સતત બીજા દિવસે વરસાદ વરસ્યો
ગરબા ગ્રાઉન્ડ વરસાદમાં ધોવાયા
ખેલૈયાઓનો મૂડ બગડ્યો
આજે પણ વરસાદની આગાહી
ભરૂચ અંકલેશ્વર સહિત સમગ્ર જિલ્લામાં સતત બે દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે ગતરાત્રિના સમયે પણ ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. વરસાદ વરસતા ગરબા આયોજકો ચિંતાતુર બન્યા હતા. મોડી રાત સુધી અવિરત વરસાદ વરસતા અનેક જગ્યાએ ગરબાના આયોજનો મોકૂફ રાખવાની ફરજ પડી હતી. અંકલેશ્વર જીઆઇડીસીના વિવિધ વિસ્તારો ભરૂચ શહેર, નેત્રંગ, વાલીયા અને હાસોટ પંથકમાં વરસાદ વરસ્યો હતો ત્યારે વરસાદ વરસતા ગરબા ગ્રાઉન્ડમાં સામાન પલળી ગયો હતો. બે દિવસથી મેઘરાજા ખેલૈયાઓનું મૂડ બગાડી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં ભરૂચમાં 2 મી.મી.,અંકલેશ્વરમાં 3 મી.મી.,હાંસોટ 5 મી.મી.,વાલીયામાં 13 મી.મી. અને નેત્રંગમાં 8 મી.મી.વરસાદ નોંધાયો હતો.આજે પણ હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે.દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં આજે ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે ત્યારે નવરાત્રિના અંતિમ દિવસે પણ મેઘરાજા ગરબાના આયોજનમાં વિક્ષેપ પાડી શકે છે