-
નગરપાલિકાએ કર્યું વેસ્ટમાંથી બેસ્ટનું સર્જન
-
શાકભાજીના કચરામાંથી બનાવ્યું કમ્પોઝડ ખાતર
-
મહત્વકાંક્ષી પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો
-
અંદાજે 5 ટન સુધી શાક અને ફળનો કચરો નીકળે છે
-
મેક ઇન ઇન્ડિયાના સૂત્ર અંતર્ગત મશીનરીઓ કરી ઉભી
ભરૂચ નગરપાલિકા પાસે ડોમેસ્ટિક વેસ્ટ ડિસ્પોઝલ સાઈટ ન હોવાના કારણે આ કચરાનો નિકાલ મોટી સમસ્યા ઉભી કરે છે. સમયાંતરે લોકોના વિરોધ વચ્ચે સુવિધા બંધ કરવાની નોબત આવી પડી છે,ત્યારે હવે કચરાના નિકાલના વૈકલ્પિક સ્ત્રોત ઉભા કરવામાં આવી રહ્યા છે.
ભરૂચ શહેરમાં 15 હજાર કોમર્શિયલ અને 45 હજાર રેસીડેન્સીયલ પ્રોપર્ટીના ડોમેસ્ટીક વેસ્ટનો ટનબંધ કચરો નીકળે છે. પાલિકા ડોર ટુ ડોર ફેસિલીટી અંતર્ગત આ કચરો હંગામી ડિસ્પોઝલ સાઈટમાં ફેંકાવી નિકાલના ગતકડા કરે છે. અને આ મામલે ઉહાપોહ મચે કે તુરંત કામગીરી અટકાવી દેવાય છે. આ સાથે ગંદકીનો ખડકલો સર્જાવા માંડે છે. કાયમી બનતી સમસ્યાનો હલ કાઢવા હવે પાલિકા કચરા માટે વેસ્ટમાંથી બેસ્ટનું સર્જન કરવા તરફ આગળ વધી રહી છે. ભરૂચમાં એપીએમસી માર્કેટ સહિત શાક માર્કેટ માંથી બગડેલા શાકભાજીના નામે ફેંકવામાં આવતા 5 ટન સુધીના વેજીટેબલ વેસ્ટમાંથી કમ્પોઝ ખાતર બનાવી ભરૂચને હરિયાળું બનાવવા મહત્વકાંક્ષી પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે.
ભરૂચ શહેરની વસ્તી 2.25 લાખ છે,અને 2 એપીએમસી માર્કેટ કાર્યરત છે,જયારે 8 નાના મોટા શાક અને ફ્રૂટ માર્કેટ પણ છે.એક અંદાજ મુજબ દરરોજ 5 હજાર કિલો સુધી શાક અને ફળફળાદીનો કચરો નીકળે છે. અત્યાર સુધી કચરો ડિસ્પોઝલ સાઈટમાં ફેંકવામાં આવતો હતો,હવે શાકભાજી અને ફળફળાદીના કચરામાંથી કમ્પોઝડ ખાતર બનાવવામાં આવી રહ્યું છે.ભરૂચ નગરપાલિકાએ જે બી મોદી પાર્ક નજીક મેક ઇન ઇન્ડિયાના સૂત્ર અંતર્ગત મશીનરીઓ ઉભી કરી શાકભાજીને 3 પ્રોસેસ બાદ ખાતરમાં પરિવર્તિત કરાઈ રહ્યુ છે.
ભરૂચ નગરપાલિકા પ્રારંભિક તબક્કામાં મહિનાનું 65 ટન ખાતર ઉત્પાદિત કરે છે. આ ખાતર ભરૂચ શહેરના નાના મોટા 10 થી વધુ બગીચાઓમાં મોકલવામાં આવે છે. અત્યાર સુધી બગીચાઓમાં ખાતર પાછળ વાર્ષિક લાખોનો ખર્ચ થતો હતો. જે હવે શૂન્ય બન્યો છે.