બજેટલક્ષી સામાન્ય સભાનું આયોજન, રૂ.201 કરોડના બજેટને મંજૂરી અપાય
ભરૂચ નગર સેવાસદનની બજેટલક્ષી ખાસ સામાન્ય સભા પ્રમુખ વિભૂતિ બા યાદવની અધ્યક્ષતામાં સભાખંડ ખાતે મળી હતી. જેના પ્રારંભે પાલિકા સભ્ય વિશાલ વસાવાના નિધન બદલ બે મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ અર્પવામાં આવી હતી.
જે બાદ કારોબારી ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિએ વર્ષ 2025 _ 26 નું 46.42 કરોડની પુરાંતવાળું રૂપિયા 201 કરોડનું બજેટ રજૂ કરી આંકડાકીય માહિતી આપવા સાથે આ વર્ષે વિવિધ ગ્રાન્ટ હેઠળ રંગ ઉપવન, પંડિત ઓમકાર નાથ ઠાકુર કલાભવનનું નવીનીકરણ તેમજ રતન તળાવનું બ્યુટિફિકેશ તેમજ ટ્રાફિક સર્કલ અને રોડના નવીનીકરણ જેવી મુખ્ય બાબતો અંગે જણાવી આગામી થોડા જ દિવસોમાં તેની કામગીરી શરૂ કરી દેવાશે તેમ કહ્યું હતું.
તે ઉપરાંત શહેરના પૂર્વ વિસ્તારમાં ફાયર સ્ટેશન પણ આગામી દિવસોમાં કાર્યાન્વિત થઈ જશે તેમજ પાલિકાની નવી બિલ્ડિંગ તેમજ અન્ય માટે પણ જોગવાઈ કરાઇ હોવાનું કહ્યું હતું. પ્રમુખ સ્થાનેથી રજૂ થયેલ એક નેશન એક ઇલેક્શન ના સમર્થન ન ઠરાવ નો વિપક્ષી સભ્યોએ વિરોધ કરતા શાસક પક્ષે તેને બહુમતીના જોરે મંજૂરી ની મ્હોર મારી હતી.
વિપક્ષના નેતા સમસાદ અલીએ બજેટને આંકડાકીય માયાજાળ ગણાવી જે વિકાસ કાર્યો રજૂ કરાયા છે તેને આવકાર્યા હતા પણ તેઓ ધ્વારા લેખિતમાં આઠ જેટલા મુદ્દા બજેટમાં સમાવેશ કરવા રજૂઆત કરવામાં આવી હોવા છતાં માત્ર ફાટા તળાવ ખાતે પે એન્ડ પાર્કની સુવિધા નો જ સમાવેશ કરાયો છે પણ ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે, હોકર્સ ઝોન, રખડતા ઢોરોની સમસ્યા ,તેમજ ભરૂચની ઓળખ એવા અને ધરતીકંપમાં ધરાશયી થયેલ વિક્ટોરિયા ટાવરના પુનઃ નિર્માણ,પશ્ચિમ વિસ્તારમાં ફાયર સ્ટેશન, સ્લોટર હાઉસ પુનઃ શરૂ કરવા જેવા મુદ્દાઓનો સમાવેશ જ કરવામાં નથી આવ્યો તો તે અંગે વિચાર કરવા કહ્યું હતું.