ભરૂચમાં વર્ષ 2015માં બન્યો હતો બનાવ
ભાજપના 2 નેતાઓની કરાય હતી હત્યા
ડી કંપનીનું કનેકશન સામે આવ્યું હતું
એન.આઈ.એ.દ્વારા મોટી કાર્યવાહી
આરોપીની મિલકત સીલ કરાય
ભરૂચમાં વર્ષ 2015માં ભાજપના નેતા શિરીષ બંગાળી અને પ્રજ્ઞેશ મિસ્ત્રીની થયેલ હત્યાના ચકચારી ડબલ મર્ડર કેસમાં નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીએ મોટી કાર્યવાહી હાથ ધરી છે. આ કેસમાં આરોપી એવા યુનુસ શેખની શહેરના સોનેરી મહેલ વિસ્તારમાં આવેલી મિલકત સીલ કરી દેવામાં આવી છે. એનાઈએ કોર્ટના આદેશથી આ કાર્યવાહી કરવામાં આવી હતી જેના પગલે ફફડાટ ફેલાયો છે.ભરૂચ જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ શિરીષ બંગાળી અને યુવા મોરચાના મહામંત્રી પ્રજ્ઞેશ મિસ્ત્રીની વર્ષ 2015માં 2 નવેમ્બરના રોજ સેવાશ્રમ રોડ પર આવેલ સુર્યા પ્રિન્ટીંગ પ્રેસમાં ગોળી મારી હત્યા કરી દેવામાં આવી હતી.
પોલીસની તપાસમાં દાઉદ ઇબ્રાહીમના સાગરિત જાવીદ ચીકનાએ હિંદુ નેતાઓની હત્યા માટે 50 લાખની સોપારી આપી હોવાનો ખુલાસો થયો હતો. ભરૂચમાંથી ચાર હિંદુ નેતાઓના નામ નક્કી કરવામા આવ્યાં બાદ સુરત અને ભરૂચમાં સક્રિય બનેલાં અંધારી આલમના મોડયુલે બંને ભાજપના નેતાઓની હત્યા કરી હતી જેમાં એનાઈએ દ્વારા 10થી વધુ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી ત્યારે હવે કોર્ટના આદેશથી આરોપીઓ સામે કડક રાહે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.