-
ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં માર્ગો બન્યા બિસ્માર
-
બિસ્માર માર્ગોના કારણે સ્થાનિકો પરેશાન
-
સ્થાનિકોએ કર્યું વિરોધ પ્રદર્શન
-
રેલી સ્વરૂપે નગરપાલિકા કચેરીએ પહોંચ્યા
-
હલ્લો મચાવી સત્તાધીશોને કરી ઉગ્ર રજુઆત
ભરૂચના પશ્ચિમ વિસ્તારના વિવિધ માર્ગો બિસ્માર બનતા ત્રાહિમામ પોકારી ઉઠેલા સ્થાનિકોએ રેલી સ્વરૂપે નગરપાલિકા કચેરી ખાતે પહોંચી હલ્લો મચાવ્યો હતો,અને માર્ગના તાત્કાલિક સમારકામની માંગ કરી હતી.
ભરૂચમાં ચોમાસાના સમય દરમિયાન વિવિધ માર્ગો બિસ્માર બન્યા હતા.જેના કારણે લોકો હાલાકી વેઠી રહ્યા છે.ત્યારે ભરૂચના પાંચબત્તીથી મહમદપુરા, મહંમદપુરાથી જંબુસર બાયપાસ, મહંમદપુરાથી બંબાખાન સહિત પશ્ચિમ વિસ્તારના અનેક માર્ગો બિસ્માર બનતા વાહન ચાલકોએ પારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવે છે.
ત્યારે પશ્ચિમ વિસ્તારના લોકો આજરોજ રેલી સ્વરૂપે નગરપાલિકા કચેરી ખાતે પહોંચ્યા હતા અને હલ્લો મચાવ્યો હતો. સ્થાનિકો દ્વારા નગરપાલિકાના મુખ્ય અધિકારી તેમજ કારોબારી અધ્યક્ષ હેમેન્દ્ર પ્રજાપતિને ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી.આ સમયે સ્થાનિક આગેવાનો અને કારોબારી અધ્યક્ષ વચ્ચે તું તું મેં મેંના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા.
અને રજૂઆત કરનારા અબ્દુલ કામઠીએ જણાવ્યું હતું કે ઉંચો ટેક્સ ભર્યા બાદ પણ નગરપાલિકા દ્વારા સુવિધા આપવામાં આવતી નથી,અને રજુઆત કરવા આવીએ છીએ ત્યારે નગરપાલિકાના કારોબારી ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિ અમને સસ્તી પ્રસિદ્ધિ માટે કામ કરતા હોવાના વાહિયાત આક્ષેપ કરે છે.જોકે સ્થાનિકો દ્વારા વહેલી તકે માર્ગનું સમારકામ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.
તો આ અંગે નગરપાલિકાની કારોબારી સમિતિના ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિએ જણાવ્યું હતું કે શહેરના પાંચબત્તીથી મહંમદપુરાને જોડતા માર્ગના સમારકામની કામગીરી માટે અગાઉ પણ અનેકવાર રજૂઆત મળતી મળતા તંત્રમાં દરખાસ્ત કરવામાં આવી હતી.જે મંજૂર થઈ ગઈ છે ત્યારે વારંવાર આ રીતે વિરોધ પ્રદર્શન કરી કેટલાક લોકો રાજકીય રોટલો શેકવાના પ્રયાસ કરી રહ્યા છે.